
ઉધમપુર, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.) જમ્મુના ઉધમપુર જિલ્લામાં બુધવારે બસંતગઢ-રામનગર માર્ગ પર એક બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં એક છોકરીનું મોત થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત લટ્ટી-બસંતગઢ તાલુકામાં પચૌંડ વિસ્તારમાં ગુલ્લી ગાલા નજીક થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા છ મુસાફરોને રામનગરની પેટા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસંતગઢમાં સારવાર આપવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, તેમણે અકસ્માત બાદ ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદી સાથે વાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સિંહે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની સમયસરની મદદથી તમામ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મૃત છોકરીની ઓળખ અને અકસ્માતના કારણ સહિત અન્ય વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ