સુરતના સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં આગ, દૂર સુધી ફેલાયો ધુમાડો
સુરત, 22 ઓક્ટોબર (હિ.સ.) સુરતના સિંગણપોર વિસ્તારમાં ભરીમાતા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા આશરે બે કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા. ગોડાઉનમાં આ
Fire Breaks Out at Scrap Warehouse


સુરત, 22 ઓક્ટોબર (હિ.સ.) સુરતના સિંગણપોર વિસ્તારમાં ભરીમાતા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા આશરે બે કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા. ગોડાઉનમાં આગની જ્વાળાઓ ઊંચે સુધી પહોંચતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.

ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાગળ અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં વિવિધ ફાયર સ્ટેશનમાંથી 10થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફાયર જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવવા પ્રયાસ કર્યો હતો. લગભગ એક કલાકની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી, જોકે ગોડાઉનમાં રાખવામાં આવેલી સામગ્રીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું, તે હજુ સ્પષ્ટ થયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande