રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના સમયપત્રકમાં મોટો ફેરફાર: ફ્લાઈટોની સંખ્યા વધારી દૈનિક 12 કરાઈ
દિવાળી અને નાતાલના વેકેશનને ધ્યાને લઈ વિન્ટર શેડ્યૂલમાં એરલાઈન્સ કંપનીઓએ સેવાઓ વિસ્તારી રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી રવિવાર, 25 ઓક્ટોબરથી વિન્ટર શેડ્યૂલનો અમલ શરૂ થઈ રહ્યો છે. આગામ
રાજકોટ હીરાસર એરપોર્ટ


- દિવાળી અને નાતાલના વેકેશનને ધ્યાને લઈ વિન્ટર શેડ્યૂલમાં એરલાઈન્સ કંપનીઓએ સેવાઓ વિસ્તારી

રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી રવિવાર, 25 ઓક્ટોબરથી વિન્ટર શેડ્યૂલનો અમલ શરૂ થઈ રહ્યો છે. આગામી દિવાળી, નૂતન વર્ષ અને નાતાલના વેકેશનને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ કંપનીઓએ વિમાનોની સંખ્યા અને પ્રવાસના રૂટ્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ એરપોર્ટ પરથી દૈનિક અને સાપ્તાહિક ફ્લાઈટોનું સંચાલન વિસ્તારીને મુસાફરોની સુવિધા વધારવામાં આવી છે, જેનાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મોટો લાભ મળશે.

આગામી વિન્ટર શેડ્યૂલ અંતર્ગત ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા દૈનિક 12 અને સાપ્તાહિક 4 ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવશે. જેમાં દિલ્હી માટે દૈનિક 4 ઉપરાંત દર મંગળવારે 1 વધારાની ફ્લાઈટ, મુંબઈ માટે દૈનિક 3, નવી મુંબઈ માટે 2 અને બેંગ્લોર માટે 1 દૈનિક ફ્લાઈટ સામેલ છે. પૂના અને હૈદરાબાદ માટે સપ્તાહમાં ચાર દિવસ (મંગળ, બુધ, ગુરુ અને રવિ) સેવા મળશે. આ ઉપરાંત, એર ઈન્ડિયા કંપની દિલ્હી અને મુંબઈ માટે બબ્બે ફ્લાઈટ મળીને દૈનિક કુલ 4 ફ્લાઈટોનું સંચાલન ચાલુ રાખશે.

પર્યટકો માટે મહત્વના સમાચાર એ છે કે છેલ્લા છ મહિનાથી બંધ રહેલી ગોવાની સીધી ફ્લાઈટ સોમવાર, 26 ઓક્ટોબરથી પુનઃ શરૂ થઈ રહી છે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ગોવા માટે સપ્તાહમાં ચાર દિવસ (સોમ, મંગળ, ગુરુ અને શનિ) સીધી હવાઈ સેવા પૂરી પાડવામાં આવશે. ગત 29 માર્ચ 2026ના રોજ સમર શેડ્યૂલ અમલી બનતા ગોવાની ફ્લાઈટ બંધ કરાઈ હતી, જે હવે વિન્ટર શેડ્યૂલમાં ફરી શરૂ થતાં તહેવારોમાં ગોવા જતા પ્રવાસીઓની અવરજવર અત્યંત સરળ બની રહેશે.

નાતાલ પર્વની રજાઓમાં પ્રવાસીઓના વધારાના ધસારાને પહોંચી વળવા એરલાઈન્સ કંપનીઓએ અત્યારથી જ આગોતરું આયોજન કરી લીધું છે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 16 ડિસેમ્બરથી રાજકોટ-દિલ્હી વચ્ચે એક વધારાની દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં વિદેશમાંથી મોટી સંખ્યામાં એનઆરઆઈ અને પ્રવાસીઓ ભારત આવતા હોવાથી કંપનીએ અત્યારથી જ દિલ્હીની આ દૈનિક ફ્લાઈટનો સ્લોટ બુક કરાવી લીધો છે, જેથી કનેક્ટિંગ ફ્લાઈટ મેળવવામાં પણ સરળતા રહે.

એરપોર્ટની સુવિધાઓમાં વધારો થયો હોવા છતાં, હીરાસર એરપોર્ટ શરૂ થયાના ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી એકપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકી નથી. કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટેનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટ પર સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ ઉડ્ડયન મંત્રાલયમાં છેલ્લા દોઢ વર્ષથી એપ્રુવલની દરખાસ્ત પેન્ડિંગ હોવાના કારણે વિદેશની સીધી ફ્લાઈટો અટકેલી છે. હાલ આ એરપોર્ટ માત્ર કાગળ પર જ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ગણાઈ રહ્યું છે.

તહેવારોની મોસમ શરૂ થતાંની સાથે જ એરલાઈન્સ કંપનીઓએ વિમાની ભાડામાં આસમાની વધારો ઝીંકી દીધો છે. દિવાળી અને નૂતન વર્ષના વેકેશનમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને હવાઈ ભાડા અત્યારથી જ બમણા કરી દેવાયા છે. રાજકોટથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને પૂનાનું એરફેર આસમાને પહોંચ્યું છે અને આગામી દિવસોમાં દિવાળીના મુખ્ય તહેવારો દરમિયાન ભાડું અઢીથી ત્રણ ગણું સુધી વધી જવાની પૂરેપૂરી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande