સંસદ પરિસરમાં રાણી ચેન્નમ્માની જયંતિ અને 202મી વિજય વર્ષગાંઠ ઉજવવામાં આવી
નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). સંસદ પરિસરમાં આવેલા પ્રેરણા સ્થળ પર શુક્રવારે કિત્તૂરના વીરાંગના રાણી ચેન્નમ્માની જયંતિ અને અંગ્રેજો સામે તેમની ઐતિહાસિક વિજયની 202મી વર્ષગાંઠ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય જ
સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ


નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). સંસદ પરિસરમાં આવેલા પ્રેરણા સ્થળ પર શુક્રવારે કિત્તૂરના વીરાંગના રાણી ચેન્નમ્માની જયંતિ અને અંગ્રેજો સામે તેમની ઐતિહાસિક વિજયની 202મી વર્ષગાંઠ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રેલ તથા જલ શક્તિ રાજ્યમંત્રી વી. સોમન્ના સહિત અનેક મહાનુભાવોએ રાણી ચેન્નમ્માને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા.

રેલ અને જલ શક્તિ રાજ્યમંત્રી તથા તુમકુરુના સાંસદ વી. સોમન્નાના નેતૃત્વમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ પી.સી. મોહન, ડો. સુધાકર, કર્ણાટકના પૂર્વ મંત્રી મુરુગેશ નિરાની અને બસનગૌડા પાટીલ યતનાલ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કર્ણાટકના વિવિધ જિલ્લાઓ અને દિલ્હીમાં રહેતા કન્નડ સમુદાયના લોકોએ પણ રાણી ચેન્નમ્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

કાર્યક્રમમાં વિવિધ મઠોના સંતો પણ ઉપસ્થિત રહ્યા. જેમાં કુડલસંગમના બસવ મૃત્યુંજય સ્વામી, શંકરાનંદ સ્વામી, બીદરના આલુર સ્થિત સિદ્ધારૂઢ મઠના સંત, કક્કામારીના ગુરુદેવ આશ્રમના આત્મારામ સ્વામી અને ચલકાપુરાના સિદ્ધારૂઢ મઠના વિનાયક સ્વામીનો સમાવેશ થતો હતો.

આ પ્રસંગે સોમન્નાએ રાણી ચેન્નમ્માને દેશના અદ્વિતીય વીરાંગના ગણાવતા કહ્યું કે, તેમણે ફક્ત એક યુદ્ધ જ નહોતું લડ્યું, પરંતુ સામ્રાજ્યવાદી સત્તાને પડકારી હતી. તેમનું નામ ઇતિહાસમાં પ્રતિકાર અને અદમ્ય સાહસના અમર પ્રતીક તરીકે નોંધાયેલું છે. આવી વીર મહિલાની સિદ્ધિઓને યાદ કરવી સૌના માટે ગર્વ અને પ્રસન્નતાનો વિષય છે.

તેમણે કહ્યું કે, સંસદના આ પવિત્ર પરિસરમાં વીરાંગના રાણી ચેન્નમ્માનું શૌર્ય અને સાહસ આજે દેશની રક્ષા કરનારા વીર જવાનો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. પોતાની માતૃભૂમિ અને ભાષાથી પ્રેમ કરનારા સૌ લોકો માટે તેમનું જીવન ગર્વનો વિષય છે. તેમણે લોકોને દર વર્ષે એકત્ર થઈને આવી મહાન વિભૂતિઓને યાદ કરવા અપીલ કરી.

સોમન્નાએ આ આયોજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેમના પ્રોત્સાહનથી દર વર્ષે આ કાર્યક્રમના આયોજનનો અવસર મળી રહ્યો છે. તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, લોકસભા સચિવાલયના અધિકારીઓ, રેલ મંત્રાલય અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો પણ આયોજનની પરવાનગી અને સહયોગ માટે આભાર માન્યો.

કાર્યક્રમમાં બસવ મૃત્યુંજય સ્વામીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે સંસદ પરિસરના પ્રેરણા સ્થળ પર દર વર્ષે રાણી ચેન્નમ્માની સ્મૃતિમાં આ પ્રકારનું આયોજન કરવાની પહેલ માટે સોમન્નાની પ્રશંસા કરી અને પ્રસન્નતા વ્યક્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande