ચિન્મય મિશનની- શતાબ્દી યાત્રા અને વિકસિત ભારતના લક્ષ્ય, એકસાથે આગળ વધશે : મોદી
નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, વર્ષ 2047માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થવાની સાથે જ ચિન્મય મિશન પણ તેની સ્થાપનાના 100 વર્ષ પૂરા કરવાની દિશામાં હશે. તેમણે કહ્યું કે, ચિન્મય મિશનની શતાબ્દી યાત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, વર્ષ 2047માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થવાની સાથે જ ચિન્મય મિશન પણ તેની સ્થાપનાના 100 વર્ષ પૂરા કરવાની દિશામાં હશે. તેમણે કહ્યું કે, ચિન્મય મિશનની શતાબ્દી યાત્રા અને વિકસિત ભારતના નિર્માણનું અભિયાન એકસાથે આગળ વધશે, કારણ કે બંનેના લક્ષ્ય અને ઉદ્દેશ્ય એક છે.

મોદીએ અહીં ભારત મંડપમમાં આયોજિત ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા કહ્યું કે, દેશને વિભાજિત કરતી તાકાતો સામે સમાજને એકજૂટ કરવો, આત્મનિર્ભરતા માટે લોકોને જાગૃત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે જન-જનને જોડવા એ આજની મહત્વપૂર્ણ આવશ્યકતાઓ છે. આ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે સૌને વધુ સક્રિય થવું પડશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ચિન્મય મિશન ફક્ત એક સંસ્થા નથી, પરંતુ એક વિચાર છે. તેની સ્થાપના સ્વામી ચિન્મયાનંદે કરી હતી અને દાયકાઓની તેની યાત્રા આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક સંકલ્પોથી ભરેલી રહી છે. તેમણે દુનિયાભરમાં મિશન સાથે જોડાયેલા સંતો, આચાર્યો, સાધકો અને અનુયાયીઓને અમૃત મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેઓ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મોદીએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સ્વામી ચિન્મયાનંદના હોલોગ્રામના દર્શન અને સંવાદના અનુભવને યાદ કરતા કહ્યું કે, એવું લાગ્યું જાણે તેઓ 33 વર્ષ પાછળ પહોંચી ગયા હોય. વર્ષ 1993માં વડોદરામાં ગુરુદેવ સાથે થયેલી મુલાકાત, તેમની સાથે વાતચીત, સ્નેહ અને આશીર્વાદની સ્મૃતિઓ ફરીથી જીવંત થઈ ઉઠી. એક પળ માટે તેમને એવું લાગ્યું, જાણે તેઓ ગુરુદેવના સાક્ષાત સાનિધ્યમાં આવી ગયા હોય. પ્રધાનમંત્રીએ આ અનુભવ માટે ચિન્મય મિશનના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો.

તેમણે જણાવ્યું કે, વર્ષ 1993માં તેઓ સ્વામી ચિન્મયાનંદને અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદના શતાબ્દી સમારોહમાં આમંત્રિત કરવા ગયા હતા. તે સમયે સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણના 100 વર્ષ પૂરા થઈ રહ્યા હતા. સ્વામી ચિન્મયાનંદે નિમંત્રણ સ્વીકાર્યું અને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોને આ સમારોહ પ્રત્યે જાગૃત કર્યા તથા તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા.

મોદીએ કહ્યું કે, ધર્મ સંસદના આયોજનના કેટલાક સપ્તાહ પહેલા 3 ઓગસ્ટના રોજ અમેરિકાના સેન ડિયેગોમાં સ્વામી ચિન્મયાનંદનું નિધન થયું. 11 સપ્ટેમ્બરના રોજ શિકાગોમાં આયોજિત ધર્મ સંસદ દરમિયાન તેમને ગુરુદેવની કમી અનુભવાઈ. તેમણે કહ્યું કે, ગુરુદેવ સાથેની છેલ્લી મુલાકાતમાં યુવા શક્તિના નિર્માણ અને તેના માધ્યમથી સશક્ત તેમજ સમર્થ ભારત બનાવવા પર ગંભીર ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુરુદેવ સાથેની મુલાકાતના કેટલાક વર્ષો પછી તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જનતાની સેવા કરવાનો અવસર મળ્યો. ત્યારથી છેલ્લા 25 વર્ષથી તેઓ સરકારના વડા તરીકે દેશની સેવા કરી રહ્યા છે અને આ પૂરી યાત્રામાં ગુરુદેવના આશીર્વાદ તેમની સાથે રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમના પ્રયાસો અને નીતિઓના કેન્દ્રમાં દેશના યુવાનો રહ્યા છે.

મોદીએ ચિન્મય અમૃત મહોત્સવમાં યુવાનોની ભાગીદારીની પ્રશંસા કરતા જણાવ્યું કે, મિશનના યુવા સાથીઓએ લગભગ 300 દિવસમાં 40 હજાર કિલોમીટરની યાત્રા કરી અને 1 લાખથી વધુ યુવાનોનો સંપર્ક કર્યો. તેમણે આ પ્રયાસ માટે પૂરી ટીમને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ ઉપનિષદોના કથન ‘વયમ્ અમૃતસ્ય પુત્રાઃ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેનો અર્થ છે કે, આપણે અમૃતના સંતાન છીએ. આ ફક્ત આધ્યાત્મિક દર્શન નથી, પરંતુ ભારતનો સાંસ્કૃતિક વિશ્વાસ પણ છે. તેનો આશય શરીરની અમરતાથી નથી, પરંતુ ચેતના, જ્ઞાન અને બોધની અમરતાથી છે. આ જ બોધના કારણે ભારત હજારો વર્ષોથી પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રહ્યું છે.

મોદીએ વેદોના મંત્ર ‘વયં રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતાઃ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાષ્ટ્રનું હિત ઈચ્છતા લોકોએ દેશને જાગૃત અને ઉન્નત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ. સ્વામી ચિન્મયાનંદે પોતાનું પૂરું જીવન આ જ ભાવનાને અનુરૂપ જીવ્યા. તેઓ આધ્યાત્મિક વિષયોની સાથે રાષ્ટ્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ સ્પષ્ટપણે વિચાર રજૂ કરતા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્વામી ચિન્મયાનંદનો સંદેશ હતો કે, આધ્યાત્મિક ઉન્નતિને વ્યક્તિગત ઉન્નતિ સાથે અને વ્યક્તિગત ઉન્નતિને રાષ્ટ્રની પ્રગતિ સાથે જોડવામાં આવે. ભારતના લોકોમાં દેશ પ્રત્યે સ્વાભિમાન જગાડવું તેમના મિશનનો મહત્વપૂર્ણ હિસ્સો હતો. આ જ ઉદ્દેશ્યથી તેમણે ગીતા જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી અને ઉપનિષદો, વેદાંત તથા ભારતીય શાસ્ત્રોના જ્ઞાનને જનસામાન્ય સુધી પહોંચાડવાનું અભિયાન ચલાવ્યું.

તેમણે કહ્યું કે, ચિન્મય મિશનના પ્રયાસોથી આજે લાખો યુવાનો ભારતીય મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે અને દેશના સાંસ્કૃતિક દૂતની ભૂમિકા ભજવી રહ્યા છે. મિશનના 100થી વધુ શિક્ષણ સંસ્થાનો લાખો બાળકો અને યુવાનોના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. આ સંસ્થાનોમાં આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કાર પણ આપવામાં આવી રહ્યા છે.

મોદીએ કહ્યું કે, સ્વામી ચિન્મયાનંદ જેવા દૂરંદેશી લોકોએ દેશની શિક્ષણ વ્યવસ્થાને ભારતીય મૂલ્યો સાથે જોડવાની જે વિચારધારા રાખી હતી, તે જ દિશામાં આગળ વધતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. તેમાં ભારતીય જ્ઞાન પરંપરા, માતૃભાષામાં શિક્ષણ, આધુનિક વિજ્ઞાન અને નવી ટેકનોલોજીને મહત્વ આપવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલના નિર્માણમાં સ્વામી ચિન્મયાનંદના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એકનાથ રાનાડેના આ સંકલ્પમાં ગુરુદેવ મજબૂતીથી તેમની સાથે ઊભા રહ્યા હતા. આ મહાન કાર્ય માટે પહેલું આર્થિક યોગદાન પણ સ્વામી ચિન્મયાનંદે આપ્યું હતું. આજે આ સ્મારક દેશ-વિદેશથી આવતા લાખો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર છે.

તેમણે કહ્યું કે, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારતના સાંસ્કૃતિક કેન્દ્રોનું પુનરુત્થાન થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામનું નવું સ્વરૂપ, અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મહાલોક અને કેદારનાથ-બદ્રીનાથ જેવા ધાર્મિક સ્થળોનો વિકાસ આ દિશામાં મહત્વપૂર્ણ ઉદાહરણો છે. તેમણે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાની સ્થાપનાનો પણ ઉલ્લેખ કર્યો.

મોદીએ કહ્યું કે, એક સમયે ભારતમાંથી અનેક પ્રાચીન મૂર્તિઓ ચોરી કરીને વિદેશ લઈ જવામાં આવી અને ત્યાં વેચી દેવામાં આવી. છેલ્લા 12 વર્ષમાં આવી ચોરી કરાયેલી પ્રાચીન મૂર્તિઓને પાછી લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશના સાંસ્કૃતિક કેન્દ્રોને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સ્થાન મળી રહ્યું છે. સ્વામી ચિન્મયાનંદ જે રીતે ભારતીય ધર્મ અને દર્શનને દુનિયા સુધી લઈ ગયા, તે જ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ વૈશ્વિક સ્તરે લોકોને ભારતની પ્રાચીન પરંપરાઓ સાથે જોડી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પોતાની વિરાસત પર ગર્વ અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિનો આત્મવિશ્વાસ એ વાતનો પુરાવો છે કે, દેશ તે માર્ગ પર આગળ વધી રહ્યો છે, જેનું સ્વપ્ન ભારતના ઋષિઓ અને રાષ્ટ્રભક્તોએ સદીઓથી જોયું હતું. તેમની વિચાર શક્તિ આ યાત્રામાં દેશની સૌથી મોટી તાકાત છે.

તેમણે કહ્યું કે, અલગ-અલગ સંસ્થાઓના પોતાના ઉદ્દેશ્યો હોઈ શકે છે, પરંતુ દેશનો વિકાસ અને ગૌરવ સૌને જોડનારું એક સામાન્ય લક્ષ્ય છે. સ્વામી ચિન્મયાનંદના સમયે દેશ સામે જે પડકારો હતા, તેના અનુરૂપ તેમણે પોતાના સંકલ્પ નક્કી કર્યા. હવે સમય બદલાવાની સાથે નવા પડકારો અને સામાજિક વિકૃતિઓ સામે આવી છે, જેનું સમાધાન કરવાની જવાબદારી સૌની છે.

મોદીએ સમાજને વિભાજિત કરતી તાકાતો સામે એકજૂટ થવા, આત્મનિર્ભરતા માટે દેશવાસીઓને જાગૃત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, ચિન્મય મિશન પાસે ગુરુદેવની મહાન વિરાસત, દાયકાઓનો અનુભવ અને દુનિયાભરમાં સમર્પિત આચાર્યો, સાધકો તથા કાર્યકર્તાઓનો વિશાળ પરિવાર છે. તેમને વિશ્વાસ છે કે, મિશન વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ અંતમાં સ્વામી ચિન્મયાનંદને નમન કરતા મિશન સાથે જોડાયેલા તમામ સંતો, આચાર્યો, સાધકો અને સેવાભાવી કાર્યકર્તાઓને અમૃત મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande