
ભોપાલ, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, તેમના નિયમિત પ્રવાસના ભાગરૂપે શનિવારે મધ્ય પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસ (24-26 ઓક્ટોબર સુધી) માટે જબલપુર પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ સંઘના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે તથા સ્વયંસેવકો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને તેમનું માર્ગદર્શન કરશે.
મહાકૌશલ પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ વિનોદ કુમારે જણાવ્યું કે, સંઘ પ્રમુખ તેમના પ્રવાસના પ્રથમ દિવસે જબલપુર મહાનગરમાં નિવાસ કરતા સંઘના મુખ્ય સ્થાનિક પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ પછી તેઓ મુખ્ય શિક્ષક અને તેમનાથી ઉપરના જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન, સંગઠનાત્મક કાર્યો સંબંધિત વિષયો પર ચર્ચાની સાથે કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે.
તેમણે જણાવ્યું કે, ડૉ. ભાગવત 25 ઓક્ટોબરના રોજ મહાકૌશલ પ્રાંતના કોલેજીયન સ્વયંસેવકોના શિબિરને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દ્વારા તેઓ યુવા સ્વયંસેવકો સાથે સીધો સંવાદ કરશે. મહાકૌશલ પ્રાંત, સંઘના મધ્ય ક્ષેત્ર હેઠળ આવે છે. તેમાં 38 મહેસૂલી જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેના વિભાગીય મુખ્યાલયો જબલપુર, સાગર અને રીવામાં છે.
જ્યારે, અંતિમ દિવસે 26 ઓક્ટોબરના રોજ સરસંઘચાલક મહાકૌશલ પ્રાંતની કાર્યકારિણી અને વિભાગ ટોળીના સભ્યો સાથે બેઠક કરશે. આમાં સંઘના સંગઠનાત્મક કાર્યો, ગતિવિધિઓ અને સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે જ આગામી કાર્યયોજના અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.
સરસંઘચાલકના ત્રણ દિવસીય પ્રવાસને લઈને જબલપુર જિલ્લા પ્રશાસને વ્યાપક તૈયારીઓ કરી છે. જિલ્લા પ્રશાસને આદેશ જારી કરીને સુરક્ષાના દૃષ્ટિકોણથી રેલવે સ્ટેશન, રાઈટ ટાઉન સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય કેશવ કુટી, સરસ્વતી શિક્ષણ પરિષદ નરસિંહ મંદિર શાસ્ત્રી બ્રિજ તથા કરમેતા સ્થિત શ્રીરામ એન્જિનિયરિંગ કોલેજની 500 મીટરની અવરજવરની ત્રિજ્યામાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
અપર જિલ્લા દંડાધિકારી રવિશંકર રાય દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જારી કરાયેલો આ પ્રતિબંધાત્મક આદેશ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આ પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 સહિત અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ