
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં મિલકતના વિવાદમાં માનવતા અને લોહીના સંબંધો લજવાયા હોવાની એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. 70 વર્ષીય વૃદ્ધા પર તેમની જ પુત્રીએ મિલકત હડપ કરવાની લાલચમાં હુમલો કરી ઘરની બહાર કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પીડિત વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે પુત્રી અને દોહિત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર ડિફેન્સ કોલોનીમાં રહીને જનરલ સ્ટોર ચલાવતાં 70 વર્ષીય રજબુલબાનું તાજમહમદ શેખના પતિનું વર્ષ 2017માં અવસાન થયું હતું. ગત 20 ઓક્ટોબરના રોજ તેમની પુત્રી નુરજહાંબેન શેખે ઘરે આવી ‘આ મારા બાપનું ઘર છે’ તેમ કહી વૃદ્ધ માતાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઢસડીને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાએ 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
આટલેથી ન અટકતાં ગત તા. 22 ઓક્ટોબરના રોજ સાંજે વૃદ્ધા જ્યારે પોતાની દુકાનનું તાળું ખોલવા પહોંચ્યાં ત્યારે પુત્રી નુરજહાંબેન અને દોહિત્ર અબ્દુલ રઉફખાન શેખે ફરી આવીને ઝઘડો કર્યો હતો. મકાન અને દુકાન તુરંત ખાલી કરી દેવા માટે દબાણ કરી દોહિત્રએ વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે અસહાય બનેલા વૃદ્ધાએ 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માગી હતી.
આ મામલે જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં પુત્રી અને દોહિત્ર વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વૃદ્ધ માતા પર ઘર અને દુકાન પચાવી પાડવા માટે અત્યાચાર ગુજારનાર પરિવારજનો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ આગળ ધપાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt