સાસરિયાઓનો જુલમ: દેવું ચૂકવવા 6 લાખ પડાવી પુત્રી જન્મતા પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય શિક્ષિત પરિણીતા ફરીનબેને પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન પતિનું દેવું ચૂકવવા અને અન્ય ખર્ચાઓ માટે ૬ લાખ રૂપિય
હુમલો


રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય શિક્ષિત પરિણીતા ફરીનબેને પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન પતિનું દેવું ચૂકવવા અને અન્ય ખર્ચાઓ માટે ૬ લાખ રૂપિયા પડાવ્યા બાદ, પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓએ ત્રાસ ગુજારી તેને ઘરમાંથી હાંકી મૂકતા પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં પોતાની ૧૧ માસની દીકરી અને માતા સાથે ભાડે રહેતી ૩૩ વર્ષીય શિક્ષિત પરિણીતા ફરીનબેને પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીના લગ્ન સપ્ટેમ્બર ૨૦૨૪માં લોધીકા તાલુકાના પારડી ગામે રહેતા આર્યનભાઈ ઓડીયા સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી પરિણીતાને નાની-નાની બાબતોમાં અવારનવાર મેણાં-ટોણાં મારી, ઘરકામ બાબતે ઝઘડો કરી શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, પરિણીતા જ્યારે નોકરી કરતી હતી ત્યારે સાસુ રસીદાબેન અને સસરા યુનુશભાઈ તેણીનો આખો પગાર પણ બળજબરીથી પડાવી લેતા હતા અને કપડાં ઇસ્ત્રી કરવા જેવી નાની બાબતોમાં પણ માનસિક ટોર્ચર કરતા હતા.

પીડિતાએ પોલીસ સમક્ષ નોંધાવેલી એફ.આઈ.આર.માં જણાવ્યું છે કે તેના પતિને સુપર કેરી ગાડી ખરીદવા, તેના હપ્તા ભરવા, મકાનમાં ફર્નિચર કરાવવા તેમજ પતિએ કરેલું દેવું ચૂકવવા માટે તેણીએ કટકે-કટકે પોતાના કમાયેલા આશરે ૬ લાખ રૂપિયા આપ્યા હતા. આમ છતાં, ફરિયાદીને ત્યાં પુત્રીનો જન્મ થતાં જ સાસરિયાઓનો ત્રાસ અને વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરિણીતાની નણંદ આસીયાનાબેન અને નણંદોયા મેહબુબભાઈ લીંગડીયા અવારનવાર ઘરે આવીને પતિ તથા સાસુ-સસરાને ચડામણી કરતા હતા અને આને ઘરમાંથી કાઢી મૂક, અમે તારા બીજા લગ્ન કરાવી આપીશું કહીને અસહ્ય મેણાં-ટોણાં મારતા હતા.

અંતે પરિણીતાએ પતિ સમક્ષ અલગ રહેવાની વાત કરતા મામલો વધુ બગડ્યો હતો. પતિએ તેણી સાથે ઉગ્ર ઝઘડો કરી, મારકૂટ કરીને ઘરમાંથી હાંકી મૂકી હતી. છેલ્લા પોણા ત્રણ મહિનાથી રિસામણે રહેતી પરિણીતાના પરિવારે સાસરિયાઓ સાથે સમાધાનના તમામ ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ સાસરિયાઓ તેણીને ઘરમાં રાખવા જરાય તૈયાર ન થતાં આખરે નાછૂટકે પોલીસના દરવાજા ખટખટાવાયા હતા.

બનાવ અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા, નણંદ અને નણંદોયા સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande