
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં મજૂરીના નાણાં બાબતે ચાલી આવતી જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર હુમલો થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. લોખંડના પાઇપ વડે થયેલા આ હુમલામાં પુત્રના માથામાં ૧૩ ટાંકા આવ્યા છે, જ્યારે વચ્ચે પડેલા પિતાનો પગ ભાંગી ગયો હતો. ઈજાગ્રસ્તોને ત્વરિત જી.જી. હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ નાગેશ્વર કોલોનીમાં રહેતા રમેશભાઈ વસરામભાઈ ગુજરીયા (51)ને પાડોશમાં જ રહેતા ભાવેશભાઈ ધનજીભાઈ બારીયા સાથે અંદાજે પંદર દિવસ પહેલા મજૂરીના પૈસા ચૂકવવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર ઝઘડો શરૂ થયો હતો.
ઝઘડા દરમિયાન સામા પક્ષના વિમલે નિલેશના હાથમાંથી લોખંડનો પાઇપ આંચકી લીધો હતો. આ સમયે નીતાબેને નિલેશને પકડી રાખતા વિમલે તેના માથામાં પાઇપના ઘા ઝીંકી દીધા હતા. પુત્રને બચાવવા વચ્ચે પડેલા રમેશભાઈને પણ બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સિવાય સુનીલ નામના અન્ય પુત્ર સાથે પણ મારામારી કરવામાં આવી હતી.
આ હિંસક હુમલામાં રમેશભાઈના જમણા પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે નિલેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કુલ ૧૩ ટાંકા આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે રમેશભાઈની ફરિયાદના આધારે ભાવેશભાઈ બારીયા, નીતાબેન બારીયા અને વિમલ બારીયા સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt