
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજકોટના પરાપીપળીયા સ્થિત એઈમ્સ હોસ્પિટલ પરિસર નજીક રૂ. ૬.૭૫ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામનારા અત્યાધુનિક નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની ખાસ ગ્રાન્ટ અંતર્ગત ૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આ બાંધકામ હાથ ધરાશે, જે સૌરાષ્ટ્રમાંથી આવતા દર્દીઓ, મુલાકાતીઓ અને સ્ટાફ માટે પરિવહનમાં ખૂબ ઉપયોગી બનશે.
આ નવું બસ સ્ટેશન ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરના માળખામાં નિર્માણ પામશે. જેમાં મુસાફરો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ૫ બસ પ્લેટફોર્મ, વિશાળ વેઇટિંગ હોલ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ અને ટ્રાફિક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની સુવિધા માટે પાસ રૂમ તેમજ પાર્સલ રૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુસાફરોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બસ સ્ટેશનમાં કેન્ટીન અને શુદ્ધ પીવાના પાણી માટે આર.ઓ. વોટર રૂમ બનાવવામાં આવશે. ખાસ કરીને મહિલા મુસાફરોની સુવિધા અર્થે અલાયદો લેડીઝ રેસ્ટરૂમ, બેબી ફીડિંગ રૂમ અને સંલગ્ન શૌચાલયની શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરાશે. બસ સ્ટેશનના ૪,૦૦૦ ચોરસ મીટર સર્ક્યુલેશન વિસ્તારમાં ટકાઉ સી.સી. ટ્રી-મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે.
દિવ્યાંગ મુસાફરો માટે સુગમ્ય ભારત અભિયાન હેઠળ વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપિ સાઇનેજીસ, ગ્રેબ બાર અને ખાસ શૌચાલય બનાવાશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ વિક્રમભાઈ હુંબલ, એઈમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપ સિંહ અને એસ.ટી. વિભાગીય નિયામક એમ.પી. રાજ સહિતના અધિકારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt