રાજકોટમાં વીજચોરી સામે તંત્રનો દંડૂકો: 200 કનેક્શનમાંથી ગેરરીતિ પકડાતાં રૂ.1.52 કરોડના બિલ ફટકારાયા
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં વીજસંકટની ભીતિ વચ્ચે તંત્ર દ્વારા વીજચોરી રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સળંગ ચાર દિવસ સુધી હાથ ધરાયેલા વ્યાપક દરોડા ઓપરેશન દરમિયાન 200 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાતાં રૂ. 1.52 કરોડના દંડનીય
વીજ ચેકીંગ


રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં વીજસંકટની ભીતિ વચ્ચે તંત્ર દ્વારા વીજચોરી રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સળંગ ચાર દિવસ સુધી હાથ ધરાયેલા વ્યાપક દરોડા ઓપરેશન દરમિયાન 200 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાતાં રૂ. 1.52 કરોડના દંડનીય બિલ ફટકારવામાં આવ્યા છે. વીજ તંત્ર દ્વારા ખાસ કરીને વધુ વીજ લોસ ધરાવતા ફીડરો હેઠળના વિસ્તારોને નિશાન બનાવીને ચેકિંગ હાથ ધરાયું હતું.

વીજ વિભાગની 114 ચેકિંગ સ્ક્વોડ દ્વારા શહેરભરમાં રહેણાંક અને કોમર્શિયલ સહિત કુલ 2,356 વીજ જોડાણોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 200 જેટલા જોડાણોમાં વિવિધ પ્રકારે વીજચોરી અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. તમામ કસૂરવારો સામે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 1.52 કરોડની આકરી રકમ ધરાવતા બિલ આપી દેવામાં આવ્યા છે.

આ સઘન ઓપરેશન રાજકોટ શહેરની ત્રણેય વર્તુળ કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ-1 હેઠળના આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, મોરબી રોડ, કોઠારીયા રોડ, માધાપર, બેડીનાકા, રૈયારોડ, પ્રદ્યુમનનગર, વાવડી અને ખોખડદળ જેવા મુખ્ય વિસ્તારોમાં સ્ક્વોડની ટીમોએ ત્રાટકીને ચકાસણી હાથ ધરી હતી.

આ ઉપરાંત મવડી રોડ, નાના મવા રોડના પ્રણામી પાર્ક, પ્રિયદર્શન સોસાયટી, મારુતિ પાર્ક, ઉમિયાચોક, આંબેડકર ચોક, ગોકુલનગર, તિરુપતિ સોસાયટી, મચ્છોનગર, શિવનગર, જયપ્રકાશ નગર, હુસૈનીચોક, યદુનંદન સોસાયટી, ધરમનગર અને રાજનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં પણ તપાસ નો દંડૂકો વીંઝાયો હતો.

તંત્ર દ્વારા ચુનારાવાડ, જંકશન, પોપટપરા, ગંજીવાડા, જંગલેશ્વર, દિવાનપરા, ઘી કાંટા રોડ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક અને લાખાજીરાજ રોડ જેવા કોમર્શિયલ અને ગીચ વિસ્તારોને પણ આવરી લેવાયા હતા. વીજચોરી અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું દરોડા ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવશે તેમ વીજ તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande