જામનગર સરકારી ડેન્ટલ કોલેજ ખાતે રૂ. ૨૬ કરોડના ખર્ચે, નવનિર્મિત અદ્યતન 'ગર્લ્સ હોસ્ટેલ'નું લોકાર્પણ
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ ખાતે અંદાજે રૂ. ૨૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, આ ડિજિટલ લોકાર્પણ સંપન્ન થયું
ડેન્ટલ કૉલેજની ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ ખાતે અંદાજે રૂ. ૨૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, આ ડિજિટલ લોકાર્પણ સંપન્ન થયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા તેમજ આરોગ્ય વિભાગના ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

વર્ષ ૧૯૯૧માં સ્થાપિત થયેલી સરકારી ડેન્ટલ કોલેજમાં હાલ સ્નાતકની ૧૨૫ બેઠકો અને અનુસ્નાતકના વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જામનગર જિલ્લાના નેતાઓના પ્રયાસોથી, રાજ્ય સરકાર દ્વારા આ નવું હોસ્ટેલ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. આ નવીન બિલ્ડીંગથી વિદ્યાર્થિનીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ રહેઠાણની સુવિધા ઉપલબ્ધ બનશે.

આ નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ કુલ ૧,૨૧,૧૮૧ ચોરસ ફૂટના ક્ષેત્રફળમાં પથરાયેલી છે. આ G+7 (સાત માળની) આધુનિક બિલ્ડીંગમાં ૧૬૫ રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં એકસાથે ૩૩૦ વિદ્યાર્થિનીઓ રહી શકશે. સંસ્થાના શૈક્ષણિક માળખાને વધુ સુદ્રઢ બનાવવા અને તબીબી શિક્ષણ ક્ષેત્રે વિકાસ સાધવાના હેતુથી આ માળખાકીય સુવિધા ઊભી કરાઈ છે.

હોસ્ટેલના દરેક રૂમમાં જરૂરી ફર્નિચર, બે હાઇ-સ્પીડ લિફ્ટ, સેન્ટ્રલ આર.ઓ. વોટર પ્લાન્ટ, સુસજ્જ મેસ, લોન્ડ્રી, વેટિંગ એરિયા, રેક્ટર ક્વાર્ટર અને વિશાળ પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અદ્યતન ફાયર સેફ્ટીની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ લોકાર્પણ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ સહિતના અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ સહિત, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક સૌગાત બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande