
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં વધુ એક પરિણીતા સાસરિયાંના અમાનુષી ત્રાસનો ભોગ બની છે. સંપ્રદાય અને જ્ઞાતિ અલગ હોવાના બહાને રૂ. 5 લાખના દહેજની માંગણી, શાકાહારી પરિણીતાને પરાણે માંસાહાર ખવડાવવાનો પ્રયાસ, દારૂ પીને ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ તથા દીકરીનો જન્મ થતાં વારસદાર ન આપ્યાનું કહી શારીરિક-માનસિક ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. આ મામલે મહિલા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતા રિધમબેન કમલેશભાઈ થાવરાણીના લગ્ન વર્ષ 2019માં કમલેશ હોતચંદભાઈ થાવરાણી સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ જ સાસરિયાંઓએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું. સિંધુ સમાજમાં આણું ન ચાલે અને રૂ. 5 લાખ રોકડા લાવવા પડે તેમ કહી પરિણીતાને મેણાં-ટોણાં મારવામાં આવતા હતા. પરિણીતા પોતે શાકાહારી હોવા છતાં માંસાહારી સાસરિયાંઓ તેને બળજબરીથી નોનવેજ ખવડાવવાનો પ્રયાસ કરતા અને ના પાડે તો ગાળો આપી મારઝૂડ કરતા હતા.
પતિ કમલેશ દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ ધરાવતો હતો. જુગારમાં દેણું થઈ જતાં તેણે પોતાની પાન-કોલ્ડ્રિંક્સની દુકાન પણ વેચી દીધી હતી. તે દારૂના નશામાં અવારનવાર પત્નીના ચારિત્ર્ય પર ખોટી શંકાઓ કરી ઢોર માર મારતો હતો. ગર્ભાવસ્થા દરમિયાન પણ પતિ તેને ઘરમાં એકલી પૂરીને પાંચ-પાંચ દિવસ સુધી ગાયબ થઈ જતો હતો. ત્યારબાદ પરિણીતાએ દીકરીને જન્મ આપતાં સાસરિયાંઓ વધુ ઉશ્કેરાયા હતા અને 'તેં મને વારસદાર ન આપ્યો' તેમ કહી માસૂમ બાળકી અને માતાની સંભાળ લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
પરિવારજનો અને નાના-નાની દ્વારા અવારનવાર સમાધાન કરાવીને પરિણીતાને પતિ સાથે રહેવા મોકલવામાં આવતી હતી. આ દરમિયાન નાનાએ પોતાના ઘરવખરી અને સારવાર માટે લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના પણ આપ્યા હતા. છતાં પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. ઓગસ્ટ 2024માં નોટરી કરારથી છૂટાછેડા લીધા બાદ પણ સાસરિયાંઓ ફરી સમાધાન કરી તેને લઈ ગયા હતા, પરંતુ ત્યાં જઈને જોયું તો પતિએ પરિણીતાનો કરિયાવરનો સામાન વેચી દીધો હતો.
કરિયાવરના સામાન બાબતે પૂછપરછ કરતાં જ ઉશ્કેરાયેલા પતિએ પરિણીતાને પટ્ટા વડે નિર્દયતાથી ફટકારી હતી અને તેની માસૂમ દીકરીને ઉપાડીને નીચે પછાડી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી દીકરીને સારવાર માટે મંત્રમ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આખરે સાસરિયાંના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતાએ હિંમત ભેગી કરી રાજકોટ મહિલા પોલીસ મથકમાં પતિ કમલેશ, સસરા હોતચંદભાઈ, સાસુ અને નણંદ મનિષાબેન સામે ગુનો નોંધાવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt