જામનગરમાં બાકી વેરા સામે લાલઆંખ: 10 હજારથી વધુ બાકીદારોને ફટકારાશે નોટિસ
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી અટવાયેલા મિલકત અને પાણી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના ચોપડે અંદાજે રૂપિયા ૫૬૦ કરોડથી વધુની માતબર રકમ બાકી બોલતી હોવાથી કમિશનરની સૂચનાથી વોર્ડ વાઈઝ કડક
કોર્પોરેશન


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી અટવાયેલા મિલકત અને પાણી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના ચોપડે અંદાજે રૂપિયા ૫૬૦ કરોડથી વધુની માતબર રકમ બાકી બોલતી હોવાથી કમિશનરની સૂચનાથી વોર્ડ વાઈઝ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ૧૦ હજારથી વધુ વેરો બાકી ધરાવતા આસામીઓને હવે સીધી નોટિસો ફટકારવામાં આવશે.

મિલકત વેરાની આ વિશેષ વસૂલાત માટે મનપાની ચાર અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરી છે. જેમાં રેલવે વિભાગે જ મનપાના વેરા પેટે ૧૬૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે, જ્યારે શહેરમાં ૪૯,૭૦૦ ઓપન પ્લોટનો રૂપિયા ૫૬ કરોડ, રહેણાંક મિલકતોનો રૂપિયા ૨૦૯ કરોડ અને કોમર્શિયલ મિલકતોનો પણ મોટો વેરો બાકી છે. આ કડક ઝુંબેશ અંતર્ગત નિયમ મુજબ વોરંટ અને અનુસૂચિની કાર્યવાહીને અત્યંત વેગવાન બનાવવામાં આવી છે.

બાકીદારો સામે કાયદાકીય શિખંજો કસવા માટે મનપા દ્વારા તબક્કાવાર આક્રમક પગલાં લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત રહેણાંક મિલકતોના બાકી વેરા માટે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે, ઓપન પ્લોટના કિસ્સામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રોપર્ટી પર બોજો નોંધાવવામાં આવશે, અને કોમર્શિયલ મિલકતોને તાત્કાલિક ધોરણે સીલ કરવાની સાથે નળ જોડાણ કાપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકા માટે આ કરોડો રૂપિયાની વેરા વસૂલાત હાલ સૌથી મોટો પડકાર બની છે. મનપાના હાઉસ ટેક્સ અને આસિસ્ટન્ટ કમિશનર વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે, જેથી જામનગરના તમામ નાગરિકોને કોઈપણ દંડાત્મક કે કાનૂની કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી મિલકત અને પાણી વેરો વહેલી તકે ભરી દેવા ભારપૂર્વક અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande