
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જ્યારે દીકરીઓ પોતાની મહેનતથી પરિવાર અને જિલ્લાનું નામ રોશન કરે છે, ત્યારે સમગ્ર સમાજ માટે તે ગર્વની ક્ષણ બની જાય છે. જામનગર જિલ્લાના જામજોધપુર ગામના સફાઇ કામદાર રાજેશભાઈ વાઢેરની પુત્રી સાધનાબેન વાઢેરે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં ૮૭.૭૧ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
આ સિદ્ધિ બદલ જામનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના હસ્તે વિદ્યાર્થીનીને રૂપિયા ૪૧,૦૦૦ ની પ્રોત્સાહક ઇનામી રકમ અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે સાધનાબેનની આ વિશિષ્ટ શૈક્ષણિક સફળતાને બિરદાવી તેની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી તેમજ પિતાના પ્રેરણાદાયી યોગદાનને પણ વધાવ્યું હતું.
રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે 'ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ' દ્વારા વિશેષ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરનાર લાભાર્થીઓમાંથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૬ ની બોર્ડ પરીક્ષાના પરિણામોના આધારે જામનગર જિલ્લામાંથી દ્વિતીય સ્થાન મેળવનાર સાધનાબેનને આ યોજના હેઠળ સહાય આપવામાં આવી છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે જો યોગ્ય પ્રોત્સાહન અને અવસર મળે, તો કોઈપણ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt