જામનગર મહાનગરપાલિકામાં પેટા સમિતિના ચેરમેનોની ચેમ્બરો બંધ: પ્રજાના પ્રશ્નો અટવાયા
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકામાં વિવિધ કમિટીઓના હોદ્દેદારોની નિમણૂક કર્યા બાદ પણ તેઓ માટે ફાળવવામાં આવેલી ચેમ્બરોનો યોગ્ય ઉપયોગ ન થતાં આ ઓફિસો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. સત્તાધીશો દ્વારા પદ સોંપાયા પછી પણ ચેરમેનોની ગેરહ
જામ્યુકોના વિવિધ વિભાગના ચેરમેનોની ઓફિસ બંધ


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકામાં વિવિધ કમિટીઓના હોદ્દેદારોની નિમણૂક કર્યા બાદ પણ તેઓ માટે ફાળવવામાં આવેલી ચેમ્બરોનો યોગ્ય ઉપયોગ ન થતાં આ ઓફિસો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. સત્તાધીશો દ્વારા પદ સોંપાયા પછી પણ ચેરમેનોની ગેરહાજરીના કારણે ચેમ્બરોને તાળાં લાગેલા રહે છે, જેના લીધે મહાનગરપાલિકા ખાતે પોતાના પ્રશ્નો લઈને આવતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

જામનગર મહાનગરપાલિકા ખાતે શાસન અને વહીવટી કામકાજ સુચારૂ રીતે ચાલે તે માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક ઉપરાંત મહિલા તથા પુરુષ કોર્પોરેટરો માટે અલગ ચેમ્બરોની ફાળવણી કરવામાં આવી છે. આ હોદ્દેદારો પોતાની ચેમ્બરનો ઉપયોગ કરે છે, પરંતુ તંત્ર દ્વારા જુદા જુદા વહીવટી વિભાગો અને વિવિધ કમિટીઓના ચેરમેન તથા વાઈસ ચેરમેન માટે જે અલાયદી ચેમ્બરો તૈયાર કરવામાં આવી છે, તેની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી રહી છે.

મહાનગરપાલિકા ભવનમાં લાંબા સમય પહેલાં કમિટીઓની જાહેરાત કરી દેવામાં આવી હોવા છતાં, આ પેટા સમિતિઓના ચેરમેનો અને હોદ્દેદારો પોતાની ચેમ્બરમાં બેસવાનું ટાળી રહ્યા છે. પરિણામે, લાખોના ખર્ચે બનેલી આ ઓફિસોને અલીગઢીયા તાળાં લાગેલા રહે છે અને અંદર રાખવામાં આવેલા ટેબલ-ખુરશીઓ પર ધૂળના થર જામી ગયા છે. જો આ ચેરમેનો નિયમિતપણે પોતાની ઓફિસમાં હાજર રહે, તો પ્રજાના અનેક સ્થાનિક પ્રશ્નોનું નિવારણ મહાનગરપાલિકાના ભવનમાં જ ઝડપથી થઈ શકે તેમ છે.

બીજી તરફ, એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે મહાનગરપાલિકાની કેટલીક અગત્યની કમિટીઓના ચેરમેનોને હજુ સુધી ચેમ્બરની ફાળવણી જ કરવામાં આવી નથી. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા બાકી રહેલા કમિટી ચેરમેનોને ત્વરિત જગ્યા ફાળવી આપવામાં આવે અને બંધ રહેતી ચેમ્બરોને નિયમિત કાર્યરત કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે, જેથી નાગરિકો પોતપોતાના વિભાગીય પ્રશ્નો સબંધિત ચેરમેન સમક્ષ સીધા રજૂ કરી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande