જામનગર કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાયો
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી કરવા અને નિર્ધારિ
જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા રસ્તા પરના દબાણો અને અતિક્રમણ દૂર કરવા, ગ્રામ્ય માર્ગોનું સમારકામ તથા સરકારી ખર્ચે માપણી કરવા અંગેની રજૂઆતો મુખ્ય રહી હતી. આ ઉપરાંત જન્મ તારીખમાં સુધારો, નવા રોડ નિર્માણ, જમીન વળતર, જર્જરીત ઇમારતો તોડી પાડવી અને બોક્સ કેનાલના ગંદા પાણીની સમસ્યા જેવા વિવિધ જનહિતના પ્રશ્નોની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

ગૌચર તથા સરકારી ખરાબાની જમીન પર પવનચક્કી કંપનીઓ દ્વારા મંજૂરી વગર નાખવામાં આવેલા વીજ પોલ હટાવવા, રેલવે કામગીરીને કારણે બંધ થયેલ ખેતરનો રસ્તો પુનઃ શરૂ કરાવવા અને પીવાનું પાણી પૂરું પાડવા બાબતે પણ ચર્ચા થઈ હતી. સરફેસી એક્ટ, અટલ પેન્શન યોજનાની બાકી રકમ પરત મેળવવી, હુકમની અમલવારી અને વ્યાજબી ભાવની દુકાનોની તપાસ જેવા વહીવટી વિષયો પર પણ આદેશો અપાયા હતા.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ યોગ્ય ઉકેલ આવવાથી વહીવટી તંત્રની કાર્યક્ષમતા પ્રદર્શિત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande