દીવાળી પહેલા સાત માસનું પેન્શન ચૂકવવા જામનગરમાં વિધવા બહેનોનો હલ્લાબોલ, નાયબ કલેક્ટરને આવેદન
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત માસથી હજારો વિધવા બહેનો સરકારી પેન્શન યોજનાના લાભથી વંચિત રહી જતાં તહેવારો ટાણે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. જીવનનિર્વાહ માટે સંપૂર્ણપણે પેન્શનની રકમ પર નિર્ભર એવી વૃદ્ધ અને નરાધાર મહિ
વિધવા મહિલાઓનું નાયબ કલેક્ટરને આવેદન


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત માસથી હજારો વિધવા બહેનો સરકારી પેન્શન યોજનાના લાભથી વંચિત રહી જતાં તહેવારો ટાણે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. જીવનનિર્વાહ માટે સંપૂર્ણપણે પેન્શનની રકમ પર નિર્ભર એવી વૃદ્ધ અને નરાધાર મહિલાઓની હાલત કફોડી બનતાં, આવેદનપત્ર આપીને વહેલી તકે નાણાં ચૂકવવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.

આ મુદ્દે પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ યુવાનથી લઈને ૮૫ વર્ષ સુધીની મોટી વયની અસંખ્ય વિધવા બહેનો કલેક્ટર કચેરી ખાતે એકઠી થઈ હતી. જ્યાં બહેનોએ તહેવાર ટાણે સરકારી કર્મચારીઓના બોનસ અટકાવવાની ચીમકી સાથે વિધવા પેન્શન નહીં, તો બોનસ નહીંના ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ત્યારબાદ મહિલા પ્રતિનિધિ મંડળે નિવાસી નાયબ કલેક્ટર વિમલ ચૌધરીને મળીને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ તકે પૂર્વ મહિલા કોર્પોરેટરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાંથી દીવાળી પછી ચૂકવણું થવાનો નકારાત્મક જવાબ મળે છે, જેના કારણે બહેનોને વારંવાર ધક્કા ખાવા પડે છે. જો તહેવાર પહેલાં પેન્શન મળી જાય તો મહિલાઓનો તહેવાર સારો જઈ શકે.

રજૂઆત બાદ નિવાસી નાયબ કલેક્ટરે વૃદ્ધ વિધવા બહેનોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી અને પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમણે એક અઠવાડિયાનો સમય માંગીને પુનઃ ફોલોઅપ લેવા જણાવતાં ઉમેર્યું હતું કે, તમામ બાકી માસનું પેન્શન એકસાથે જમા કરી દેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande