
રાજકોટ, 25 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કુવાડવા રોડ પર આવેલી રણછોડનગર સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા ૩૨ વર્ષીય પ્રીમાબેન અભિષેકભાઈ રામાણી સાથે ઈન્સ્ટાગ્રામ પર પાર્ટ-ટાઈમ જોબના નામે રૂ.૫,૧૧,૮૩૬ ની સાયબર છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી પ્રીમાબેન ગત તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ વાપરી રહ્યા હતા ત્યારે 'મીંત્રા' ના નામ હેઠળ ઓર્ડરના ટાસ્ક પૂરા કરી 'વર્ક ફ્રોમ હોમ' થી કમાણી કરવાની એક જાહેરાત જોઈ હતી. તેમણે જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતા તે ટેલિગ્રામ ચેનલ પર ખૂલી હતી. ત્યારબાદ તેમને https://mybikt.com લિંક દ્વારા પોતાના મોબાઈલમાં એક અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઈડી બનાવડાવવામાં આવ્યું હતું.
શરૂઆતમાં આ એપ્લિકેશનમાં જોડાવા અને પ્રથમ ટાસ્ક માટે રૂ. ૧૦૦ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું, જેની સામે નફા સાથે રૂ. ૨૪૭ પરત મળ્યા હતા. ત્યારબાદ બીજા ટાસ્કમાં રૂ.૨,૪૦૦ જમા કરાવતા રૂ.૩,૮૬૩ ખાતામાં ક્રેડિટ થયા હતા. આ રીતે નફો ખાતામાં જમા થતાં મહિલાને એપ્લિકેશન અને સ્કીમ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો.
વિશ્વાસ કેળવ્યા બાદ ભામટાઓએ ત્રીજો ટાસ્ક આપ્યો હતો, જેમાં ૯ મુખ્ય અને ૫૪ પેટા ટાસ્ક પૂર્ણ કરવાના હતા. દરેક ટાસ્કમાં વધુ અને ડબલ રકમ જમા કરાવવાની લાલચ આપવામાં આવી હતી. મહિલાએ તા. ૨૦/૦૮/૨૦૨૬ થી ૨૨/૦૮/૨૦૨૬ દરમિયાન એરટેલ પેમેન્ટ્સ બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, એસબીઆઈ અને અન્ય બેંક ખાતાઓમાં કટકે-કટકે કુલ રૂ. ૫,૧૧,૮૩૬/- ટ્રાન્સફર કરી દીધા હતા.
તમામ ટાસ્ક પૂરા થતાં એપ્લિકેશનમાં નફા સાથે કુલ રૂ.૧૩,૫૨,૮૦૭/- ની રકમ બતાવતી હતી. જ્યારે મહિલાએ આ રકમ ઉપાડવા (વિડ્રો) રીક્વેસ્ટ નાખી, ત્યારે 'તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે' તેમ કહી રકમના ૨૦% વધુ નાણાં ભરવા જણાવાયું હતું. છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ ની કલમ ૩૧૮(૪) અને આઇટી એક્ટ ૬૬(ડી) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt