
ભાવનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર કલેક્ટર કચેરી ખાતે MSME કમિશનર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬, RAMP પહેલ તથા ઔદ્યોગિક એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સંદર્ભે જિલ્લા આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ, સરકારી યોજનાઓના અમલીકરણ અને ઉદ્યોગકારોને મળવાપાત્ર સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી દ્વારા ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬ અંતર્ગત નાના અને મધ્યમ ઉદ્યોગોને મળવાપાત્ર વિવિધ નાણાકીય સહાય, સબસિડી અને પ્રોત્સાહનો અંગે ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્થિત ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, RAMP પહેલ હેઠળ ભાવનગર જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરી તથા ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ક્ષિપ્રા આગ્રેએ ઉદ્યોગકારોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. નવા ઉદ્યોગોની સ્થાપના કરવા તેમજ હાલના ઉદ્યોગોનું વિસ્તરણ કરવા માટે ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરીને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઔદ્યોગિક એસોસિએશનોના પ્રતિનિધિઓએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. આ પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત સરકારી કચેરીઓ અને વિભાગો સાથે સંકલન સાધીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA