
- શિક્ષકોના 5 વર્ષ પૂર્ણ થયા છતાં પુરા પગારના-સેવાકીય લાભની દરખાસ્ત અટકાવી રાખી
અમદાવાદ,27 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ પૂર્વની નટરાજ સ્કૂલને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ફરી એક વખત નોટિસ ફટકારવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી ઓઢવની નટરાજ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે.
શાળા દ્વારા કર્મચારીઓના 5 વર્ષ પૂર્ણ થયા છતાં પૂરા પગારના અને સેવાકીય લાભોની દરખાસ્ત અટકાવી રાખી હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને મળી હતી. જેથી નટરાજ સ્કૂલને નોટિસ ફટકારી કર્મચારીઓની દરખાસ્ત એક જ દિવસમાં કચેરીએ રજૂ કરવા કડક સૂચના આપવામાં આવી છે. જો એક જ દિવસમાં શાળા દ્વારા દરખાસ્ત રજૂ નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહીની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે.
થોડા સમય પહેલા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓની 50 ટકા જેટલી જ હાજરી જોવા મળી હતી. 50 ટકા વિદ્યાર્થીઓ શાળાએ ન આવતા હોવા છતાં શિક્ષકોને તે વિદ્યાર્થીઓની હાજરી પૂરવા દબાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ મળી હતી. જેથી તેના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ રિપોર્ટ તૈયાર કરી નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા અને 100 ટકા ગ્રાન્ટ કાપ કરવા માટે શિક્ષણ વિભાગમાં ભલામણ કરી દીધી છે.
જ્યારે હવે ફરી એક વખત શાળાની મનમાની સામે આવતા વિવાદ સર્જાયો છે. નટરાજ સ્કૂલના 5 કર્મચારીઓ પુરા પગારમાં આવી ગયા હોવા છતાં શાળા દ્વારા પુરા પગારની ફાઈલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂ કરવામાં આવી નથી. તેમજ 6 કર્મચારીઓની ઉપધો દરખાસ્ત પણ રજુ કરવામાં ન આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી તાત્કાલિક તમામ દરખાસ્ત રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ