
ભાવનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સિહોર સ્થિત સર્વોત્તમ ડેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસના આયોજન અને કાર્યક્રમોમાં પશુપાલકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા બેઠક યોજાઈ હતી. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, ભાજપના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા રજિસ્ટ્રાર એ.ડી. દેસાઈ સહિત સર્વોત્તમ ડેરી સાથે સંકળાયેલી તમામ દૂધ મંડળીઓના કાર્યવાહકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા. 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન ઉત્સવનું પણ આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત, તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાની દરેક જિલ્લા પંચાયત બેઠક હેઠળનાં બે ગામોમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
બેઠકમાં સર્વોત્તમ ડેરી સાથે સંકળાયેલી તમામ દૂધ મંડળીઓના પશુપાલકોને કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં વધુ પશુપાલકો ઉપસ્થિત રહી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળે અને આયોજનને સફળ બનાવે તે માટે દૂધ મંડળીઓના કાર્યવાહકોને જરૂરી સંકલન કરવા જણાવાયું હતું.
વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોમાં પશુપાલકોની સક્રિય ભાગીદારી રહે અને લોકભાગીદારીથી કાર્યક્રમોને ભવ્ય બનાવવામાં આવે તે હેતુથી બેઠકમાં આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA