
ભાવનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવશે. આગામી 1 નવેમ્બર, 2026ના રોજ રવિવારે સવારે 9 વાગ્યે યોજાનારા આ એર-શોને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં એર-શોના આયોજનથી શહેરના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાશે. આ કાર્યક્રમને લઈને નગરજનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ ટીમ આકાશમાં અદભુત હવાઈ કરતબો અને શિસ્તબદ્ધ ઉડાન માટે જાણીતી છે. ટીમનાં વિમાનો દ્વારા આકાશમાં વિવિધ રચનાઓ અને રોમાંચક પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જે બાળકો, યુવાનો અને વડીલો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ એર-શો દ્વારા નાગરિકોને ભારતીય વાયુસેનાની ક્ષમતા, સાહસ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવનાને નજીકથી જાણવાની તક મળશે. બેઠક દરમિયાન મંત્રીએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી અને આયોજનને સફળ બનાવવા જરૂરી સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ એર-શોના આયોજન અને તૈયારીઓ અંગે વિગતો રજૂ કરી હતી. આ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, કુમારભાઈ શાહ, કમિશનર સુનીલ અને નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA