
જૂનાગઢ, 27 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા વહીવટના વિવિધ સ્તરે પડતર કામકાજ ઘટાડવા તથા સંસ્થાકીય સ્વચ્છતાને સુદૃઢ બનાવવા અમલમાં મુકાયેલા ‘વિશેષ અભિયાન-૬’ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ‘કાયાકલ્પ પ્રવૃત્તિઓ -સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવસ્થા' નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત મંગળવાર, તા.૨૭ ઓક્ટોબરના રોજ જિલ્લામાં પ્રાથમિકથી ઉચ્ચ કક્ષાની આરોગ્ય સંસ્થાઓમાં એક દિવસીય સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ૨ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૮ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ૨૩૯ આયુષ્માન આરોગ્ય મંદિર-સબ સેન્ટર સહિતની આરોગ્ય સંસ્થાઓમાં વિવિધ સ્વચ્છતા અને વ્યવસ્થાપકીય કામગીરી કરવામાં આવી હતી.
અભિયાન દરમિયાન આરોગ્ય સંસ્થાઓ અને પરિસરની સ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ તથા ચેપ નિયંત્રણ માટેની કામગીરી કરવામાં આવી હતી. સંસ્થાના માળખાકીય ભાગો અને વિવિધ સુવિધાઓની સફાઈ ઉપરાંત ભંગાર તથા બિનજરૂરી સામગ્રીનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ સામગ્રીને સુવ્યવસ્થિત કરી ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત આરોગ્ય સંસ્થાઓના ખુલ્લા તથા હરિયાળા વિસ્તારોની જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી દર્દીઓ અને મુલાકાતીઓ માટે સ્વચ્છ, આરોગ્યપ્રદ તથા સાનુકૂળ વાતાવરણ જળવાઈ રહે.
સમગ્ર કામગીરી જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ