માંસની દુકાનો બંધ કરાવવા મુદ્દે, હાઈકોર્ટની ટકોર: રોજગારી છીનવવાનો અધિકાર કોને?
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત હાઈકોર્ટમાં પાટણ જિલ્લાના અરજદારો દ્વારા માંસની દુકાનો અને કતલખાનાં બંધ કરાવવાના મુદ્દે અરજીઓ કરવામાં આવી છે. રાધનપુર નગરપાલિકાએ ધાર્મિક મુનિના આગમનને કારણે, આશરે 30 દુકાનદારોને ચાર મહિના સુધી દુકાનો બંધ રાખવાનો આદેશ
માંસની દુકાનો બંધ કરાવવા મુદ્દે હાઈકોર્ટની ટકોર: રોજગારી છીનવવાનો અધિકાર કોને?


પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત હાઈકોર્ટમાં પાટણ જિલ્લાના અરજદારો દ્વારા માંસની દુકાનો અને કતલખાનાં બંધ કરાવવાના મુદ્દે અરજીઓ કરવામાં આવી છે. રાધનપુર નગરપાલિકાએ ધાર્મિક મુનિના આગમનને કારણે, આશરે 30 દુકાનદારોને ચાર મહિના સુધી દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે, પર્યુષણ પર્વ દરમિયાન માંસની દુકાનો બંધ રાખવાના આદેશ થઈ શકે, પરંતુ 30 લોકોને ચાર મહિના સુધી રોજગારીથી કેવી રીતે દૂર રાખી શકાય? વ્યક્તિની ખાવાની પસંદગી કે નાપસંદગી અન્ય લોકો પર થોપી શકાય નહીં. દુકાનો બંધ કરાવવાનો કાયદાકીય આધાર શું છે, તે અંગે ચીફ ઓફિસરને જવાબ આપવા પણ કહ્યું હતું.

બીજી તરફ, પાટણ નગરપાલિકા સામેની અરજીઓમાં કતલખાનાં અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે રજૂઆત કરાઈ હતી. અરજદારોના જણાવ્યા મુજબ, કતલખાનાં અને માંસની દુકાનો માટે જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવે છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા NOC આપવામાં આવતું નથી.

કેટલાક દુકાનદારો પાસે FSSAI લાઇસન્સ ન હોવાથી, તેઓએ મંજૂરી માટે અરજી કરી હતી. જોકે, તેના માટે સ્થાનિક સત્તાધિકારીનું NOC જરૂરી હોવાથી પ્રક્રિયા અટકી હતી. નગરપાલિકાએ કચરાના નિકાલ સહિતની 17 શરતો પૂરી કરવાની વાત કરી હતી, જેના પર કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા.

નગરપાલિકાએ દલીલ કરી હતી કે, માંસની દુકાનોમાંથી નીકળતો કચરો રસ્તા પર ફેંકવામાં આવે છે, ગટરો ઉભરાય છે અને રસ્તાઓ પર લોહી ફેલાય છે. તેના જવાબમાં હાઈકોર્ટે જણાવ્યું કે, સ્વચ્છતા જાળવવા માટે કાયદેસર પગલાં લઈ શકાય, પરંતુ તેના પુરાવા રજૂ કરવા જરૂરી છે. કાયદાકીય પ્રક્રિયા અને યોગ્ય નોટિસ વિના દુકાનો સીલ કરી શકાય નહીં.

હાઈકોર્ટે વધુમાં સવાલ કર્યો કે નગરપાલિકા FSSAI લાઇસન્સના મુદ્દે દુકાનો બંધ કરાવવાની સત્તા કેવી રીતે વાપરી શકે? તેમજ દુકાનો બંધ રહેવાથી દુકાનદારોની રોજીરોટી પર અસર થાય છે. આ મામલે વધુ સુનાવણી અને કાર્યવાહી 4 નવેમ્બરે હાથ ધરાશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande