
ભાવનગર, 27 ઓક્ટોબર (હિ.સ.): ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જવાહર મેદાન ખાતે ‘સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ મેયર ઉષાબેન તલરેજાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવામાં સ્વદેશી મેળો મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આવા આયોજનો સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને પોતાનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે તક પૂરી પાડે છે. તેમણે નગરજનોને મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરી હતી.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર નિમિત્તે યોજાયેલા આ મેળાથી નાના વ્યવસાયકારોને બજાર મળશે. સ્વદેશી ઉત્પાદનોના વેચાણથી સ્થાનિક કૌશલ્યને પ્રોત્સાહન મળશે તેમજ સ્વરોજગાર અને રોજગારીની તકોમાં વધારો થશે.
પ્રારંભ બાદ મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
મેળામાં હસ્તકલા, આયુર્વેદિક, હર્બલ ઉત્પાદનો સહિતની વિવિધ સ્થાનિક ચીજવસ્તુઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તા. ૬ નવેમ્બર સુધી સવારે ૧૧થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેળો ખુલ્લો રહેશે. કાર્યક્રમ બાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરસેવકો, સ્ટોલધારકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA