
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી ગત તારીખ ૮ ઓક્ટોબરના રોજ એક સગીર બાળાનું અપહરણ થયા અંગેની ગંભીર ઘટના સામે આવી હતી. આ અંગે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીર બાળા ફ્રી ફાયર નામની ઓનલાઈન ગેમના માધ્યમથી આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપી તેને ભોળવીને અપહરણ કરી ગયો હતો. ટેકનિકલ ટ્રેકિંગ અને હ્યુમન સોર્સની મદદથી સગીરાનું છેલ્લું લોકેશન આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે હોવાનું સામે આવ્યું હતું.
લોકેશન મળતાની સાથે જ જામનગર સીટી એ ડિવિઝન પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક આસામ ખાતે રવાના કરવામાં આવી હતી. આસામ પહોંચીને પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડી સગીરાને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જામનગર લાવી તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા ૨૪ વર્ષીય આરોપીની અટકાયત કરવામાં આવી છે.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તેમજ પોક્સો (POCSO) અધિનિયમ-૨૦૧૨ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt