
- 31 ઓક્ટોબરે એકતા પરેડ, ‘એકતા પ્રકાશ પર્વ’ અને ‘ભારત પર્વ’ બનશે દેશની એકતા, સુરક્ષા અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક
રાજપીપળા,28 ઓકટોબર (હિ.સ.) લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે, 31 ઓક્ટોબરના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ વર્ષે ‘નકલમુક્ત ભારત’ની થીમ સાથે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય ‘એકતા પરેડ’, ‘એકતા પ્રકાશ પર્વ’ અને ‘ભારત પર્વ’ સહિતના કાર્યક્રમો દેશભક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય
એકતા દિવસની ઉજવણીમાં દેશની આંતરિક સુરક્ષા અને અખંડ ભારતના નિર્માણમાં અર્ધલશ્કરી અને પોલીસ દળોના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવશે. આ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં વિવિધ સુરક્ષા દળોની ટુકડીઓ, પોલીસ બેન્ડ, આકર્ષક ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કલાકારો દેશની એકતા તથા સુરક્ષાનું પ્રતીક બનીને ઉપસ્થિત રહેશે. સાંજના સમયે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘એકતા પ્રકાશ પર્વ’ રહેશે, જે ‘યુનિટી’ એટલે કે,
એકતાની થીમ પર સતત ત્રણ મહિના સુધી યોજાશે.
આ આયોજન દ્વારા એકતા નગરમાં આવતા
પ્રવાસીઓને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ ‘ભારત પર્વ’ના માધ્યમથી દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિકાસની ગાથા પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પહેલ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ પ્રબળ બનાવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં, પ્રવાસીઓની સુવિધાઓ વધારવા અને પ્રવાસન વિકાસને નવી
ઊંચાઈએ લઈ જવા માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.
સ્થાનિક વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ઉજવણીમાં ભાગ લેનારા પ્રવાસીઓ માટે સુવ્યવસ્થિત આયોજન, સુવિધાઓ અને યાદગાર અનુભવ સુનિશ્ચિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ વર્ષે ‘નકલમુક્ત ભારત’ની થીમ દ્વારા દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં સુરક્ષા
દળોના યોગદાનને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવશે. સુરક્ષા દળો પ્રત્યે આદર, વિશ્વાસ અને
એકજૂથતાની ભાવના વ્યક્ત કરી શકાય તે માટે વિવિધ સ્થળોએ સેલ્ફી બૂથ અને પ્રતિજ્ઞા લેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ અને દેશની સુરક્ષા વ્યવસ્થામાં યોગદાન આપતા જવાનો પ્રત્યે સન્માનની ભાવના વિકસાવવાનો ઉદ્દેશ છે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાંઓના એકીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં
ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની આ વિરાસતને આગળ ધપાવતી એકતાનગરની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા, આંતરિક સુરક્ષા, સાંસ્કૃતિક સમન્વય અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રેરણા બની રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓએ દેશના નાગરિકો અને પ્રવાસીઓને 31 ઓક્ટોબરે એકતાનગર
ખાતે યોજાનારી ભવ્ય એકતા પરેડ તથા વિવિધ કાર્યક્રમોમાં, સહભાગી બની રાષ્ટ્રીય એકતાના આ
મહાપર્વના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ