
વડોદરા,28 ઓકટોબર (હિ.સ.) કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે રાજ્યભરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે.
આજે વડોદરામાં ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રા યોજવાની છે જેમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં #Pro modi અને #Anti BJPના પોસ્ટરો લાગતા વિવાદ સર્જાયો છે.
શહેરના મુખ્ય માર્ગો પર ભાજપ સુધારો, લોકશાહી બચાવોના નારા સાથેના લગાવવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરોએ રાજકીય હલચલ મચાવી દીધી છે.
જોકે, વિવાદ વકરતાં આ પોસ્ટરો ગણતરીના સમયમાં જ ઉતારી લેવાયા હતા.
મુખ્ય માર્ગો અને ચોકસાહો પર જોવા મળેલા આ બેનરોમાં લોકશાહી અને પાર્ટીની આંતરિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે, આ પોસ્ટરની નીચે #Pro modi અને #Anti BJP લખવામાં આવ્યું છે. જો કે, આ પોસ્ટર કોને લગાવ્યા છે તે હાલ સુધી સામે આવ્યું નથી. એવી ચર્ચા છે કે, આ પોસ્ટર ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ લાગ્યા છે.
આજે 28 ઓક્ટોબર વડોદરામાં પદયાત્રા છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાજર રહેવાના છે તેવા સમયે ભાજપ વિરોધી પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો છે. બીજી તરફ, પદયાત્રાને સફળ બનાવવા માટે સત્તાધારી પક્ષ તૈયારીમાં લાગ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ