


ગાંધીનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય 'વંદે માતરમ કેમ્પ' અંતર્ગત ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના અલગ-અલગ છ રાજ્યોમાંથી આવેલા ઉત્સાહી યુવા સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગાંધીનગરના જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાળ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે દબાણ હેઠળ નેતૃત્વ: નિર્ણયશક્તિ, અખંડિતતા અને કટોકટી સંચાલન (Leadership Under Pressure: Decision-Making, Integrity & Crisis Management) વિષય પર ઊંડાણપૂર્વક સાર્થક ચર્ચા કરી હતી.
સંવાદ સત્ર દરમિયાન યુવાનોએ કલેક્ટરની દૈનિક કાર્યશૈલી, કટોકટીના સમયમાં નિર્ણયો કેવી રીતે લેવાય છે અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં પ્રાથમિકતાઓ કેવી રીતે નક્કી થાય છે તે અંગે સવાલો પૂછ્યા હતા. કલેક્ટરએ વહીવટીતંત્ર, નોકરશાહી, સુશાસન (Good Governance) અને શાસનમાં યુવાનોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે યુપીએસસી (UPSC) સિવિલ સેવા પરીક્ષાની તૈયારી માટેની યોગ્ય રણનીતિઓ પણ યુવાનો સમક્ષ રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં 'મેરા યુવા ભારત' ગુજરાતના રાજ્ય નિયામક સચિન શર્મા અને ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સહાયક નિયામક શ્રેયાંશ સિંહ અને નવસારીના જિલ્લા યુવા અધિકારી અમૃતા સુરાણા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ સંવાદથી યુવાનોને વહીવટી પ્રણાલીને નજીકથી સમજવાની અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની એક અદ્ભુત તક મળી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ