
વડોદરા,28 ઓકટોબર (હિ.સ.) વડોદરા જિલ્લાના દુમાડ ગામની સીમમાં તારની જાળીમાં ફસાઈ ગયેલી એક સાહુડીનું વન વિભાગ અને સ્થાનિક જીવદયા પ્રેમીઓના સહયોગથી સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુમાડ ગામના રહેવાસી કનુભાઈ ઠાકોરના ખેતર પાસેના વિસ્તારમાં સવારે આશરે 10 વાગ્યાના અરસામાં એક સાહુડી અચાનક તારની જાળીમાં ફસાઈ ગઈ હોવાની જાણ સ્થાનિક સ્તરે થઈ હતી.
આ બનાવની માહિતી મળતાં જ બાપા સીતારામ સેવા ભજન મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થળ પર પહોંચીને વિષ્ણુભાઈએ કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વિના અત્યંત સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે સાહુડીને જાળીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને મુક્ત કરી હતી. વન્યજીવને કોઈ ઈજા ન થાય તેની પૂરતી કાળજી રાખીને ત્યારબાદ તેને વડોદરા વન વિભાગને સુપરત કરવામાં આવી હતી,જેથી તેને જરૂરી પ્રાથમિક સારવાર અને દેખરેખ પૂરી પાડી શકાય.
આ ઘટના અંગે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વન્યજીવોના રક્ષણ માટે લોકજાગૃતિ અને સમયસર મળતી માહિતી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પણ કોઈ નાગરિકને ખેતર કે આસપાસના વિસ્તારમાં કોઈ વન્યજીવ ફસાયેલો કે મુશ્કેલીમાં જણાય, ત્યારે તેને નુકસાન પહોંચાડ્યા વગર ત્વરિત ધોરણે સંબંધિત વન વિભાગ કે વન્યજીવ રેસ્ક્યૂ સંસ્થાને જાણ કરવી હિતાવહ છે.
દુમાડ ગામના આ કિસ્સામાં સમયસર થયેલી જાણ અને ગ્રામજનોની સક્રિયતાના કારણે એક અબોલ જીવનો બચાવ થઈ શક્યો છે, જે સમગ્ર પંથકમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ