



પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો પદ્મશ્રી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે “એક શામ મહેશ નરેશ કનોડિયા કે નામ” શીર્ષક હેઠળ સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને મહાન કલાકારોની અમર કલાને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેશભાઈની સંગીત રચનાઓ અને નરેશભાઈના અભિનયને યાદ કરી ઉપસ્થિત લોકોએ તેમની કલાયાત્રાને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતમાં “જુનિયર નરેશ કનોડિયા” તરીકે જાણીતા અભિનેતા લલિત મંડલી અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહેશ-નરેશ કનોડિયા જેવા મહાન કલાકારોને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જાણીતા કલાકારો જીત બારોટ, લલિત મંડલી અને ટીનુરાજ ડાન્સરે પોતાની કલાની પ્રસ્તુતિ કરીને કાર્યક્રમને સંગીતમય અને યાદગાર બનાવ્યો હતો. કલાકારોએ લોકપ્રિય ગીતો અને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા બંને ભાઈઓની અતૂટ જોડીને જીવંત કરી હતી.
મહેશ અને નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં આપેલું યોગદાન આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. તેમની કલા, સંગીત અને અભિનયની સુવાસ આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહેશે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ આયોજકો, કલાકારો, સહયોગીઓ અને ઉપસ્થિત કલાપ્રેમીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા બંને મહાન કલાકારોની યાદોને ફરી એકવાર તાજી કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ