

ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.)મોટી પાણીયાળી ખાતે આવેલી કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ પ્રેરક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યો, વિચારો અને આદર્શો અંગે જાગૃતિ કેળવવાનો હતો.
આ પ્રસંગે પાલીતાણાની પી.એન.આર. શાહ મહિલા કોલેજના અધ્યાપક ડૉ. ગિરીશભાઈ ભાદરકા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા અને નૈતિક જીવન જેવા મૂલ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ ગાંધીજીના જીવનપ્રસંગો અને તેમના વિચારો આજના સમયમાં કેવી રીતે પ્રેરણારૂપ બની શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું હોવું જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ પૂ. મોટાભાઈ (નાનુભાઈ શિરોયા)ની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વક્તાનું વક્તવ્ય ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું અને ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA