ભુજમાં આરોગ્ય કેમ્પે એક સાથે બે સેવાકાર્યોને આપ્યો વેગ, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મળ્યું રૂ.1 લાખનું દાન
કચ્છ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં સમાજસેવા અને આરોગ્યસેવાનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું. ભુજ લોહાણા મહાજન તથા ભુજ લોહાણા મહાજન આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે રસિકલાલ કરશનદાસ કતીરા પાર્ટી પ્લોટ ખાતે આવેલા ભાનુકાંતભાઈ લાલજીભાઈ પલણ હોલમાં નિઃશુલ્ક
ભુજ લોહાણા મહાજનવાડી મેડિકલ કેમ્પ


કચ્છ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં સમાજસેવા અને આરોગ્યસેવાનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું. ભુજ લોહાણા મહાજન તથા ભુજ લોહાણા મહાજન આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે રસિકલાલ કરશનદાસ કતીરા પાર્ટી પ્લોટ ખાતે આવેલા ભાનુકાંતભાઈ લાલજીભાઈ પલણ હોલમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ, નિદાન અને તબીબી માર્ગદર્શન મેળવી મોટી સંખ્યામાં લોકોએ આરોગ્યલક્ષી સેવાનો લાભ લીધો હતો.

દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ એલ. ચંદ સહિત મહાજન, આરોગ્ય સમિતિ, મહિલા મંડળ, જનસેવા સમિતિ અને અન્ય વિવિધ સમિતિઓના હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા અને જરૂરિયાતમંદોને નિષ્ણાત તબીબી સેવા સરળતાથી મળી રહે તે હેતુથી કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં ઓર્થોપેડિક, મેડિસિન, ઈ.એન.ટી., યુરોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. ડૉ. દીપભાઈ પવાણી, ડૉ. કમલ કાવા, ડૉ. અરુણશંકર, ડૉ. કરણ પટેલ અને ડૉ. હિરેન રાજદેવ સહિતના તબીબોએ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પમાં બ્લડ રિપોર્ટ, ઈ.સી.જી., એક્સ-રે તેમજ જરૂરી દવાઓની સુવિધા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સેવા કાર્યમાં આયુષ હોસ્પિટલનો સહયોગ મળ્યો હતો અને હોસ્પિટલના સ્ટાફે પણ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ આરોગ્ય કેમ્પ દરમિયાન સમાજસેવાનું વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું હતું. સમાજના તેજસ્વી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે ભુજ લોહાણા મહાજનને રૂ.1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા મદદ મળશે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે સેવા આપનારાઓનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મહાજનના આગેવાનો અને વિવિધ સમિતિઓના સભ્યોએ સમગ્ર આયોજનને આવકાર્યું હતું. સ્વાગત પ્રવચન હિતેશભાઈ ઠક્કરે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલભાઈ કારિયાએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande