

વડોદરા,03 ઓકટોબર (હિ.સ..) વડોદરાના કરજણમાં નેશનલ હાઈવે-48 પર ટોલ ટેક્સ નજીક આવેલા ઇન્ડિયન CNG પંપ પર CNG રિફિલિંગ દરમિયાન કારના સિલિન્ડરમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કારનો પાછળનો અને વચ્ચેના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સાથે જ CNG ટેન્કના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
નેશનલ હાઈવે 48 પર કરજણ નજીક આવેલી જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર એક કારમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. સીએનજી રિફિલિંગ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે કારની ગેસ ટેન્ક ફાટતાં પંપ પર હાજર લોકો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
ધડાકો એટલો શક્તિશાળી હતો કે કારના પતરાં અને કાચ દૂર સુધી ઊડીને પડ્યા હતા અને આસપાસ ઊભેલા અન્ય બે વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી ફુૂટેજ પણ સામે આવ્યાં છે.
એક કારચાલક પોતાની સીએનજી ગાડીમાં ગેસ પુરાવવા માટે જિંદાલ કંપની પાસે આવેલા પંપ પર ઊભો હતો. કર્મચારી જ્યારે નોઝલ લગાવીને ગેસ ભરી રહ્યો હતો અને કારની આગળ બે લોકો ઊભા હતાં, ત્યારે જ અચાનક કોઈ ટેકનિકલ ખામી કે અતિશય પ્રેશરને કારણે સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હતી. વિસ્ફોટથી કારના પાછળના ભાગનો ફુરચો બોલી ગયો હતો.
કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી
નિયમ મુજબ સીએનજી પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો દમ લીધો છે. ધડાકાની માહિતી મળતાં જ કરજણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કોઈ આગ કે કેમિકલ સ્પાર્ક ન થાય તે માટે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી પંપ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ