ખંભરાના મતિયાદેવ મંદિરમાં દાનપેટી તોડનારી ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ ઝડપાઈ, 4 આરોપી કબજામાં
કચ્છ, 03 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર તાલુકાના ખંભરા ગામમાં આસ્થાના કેન્દ્ર સમા પ્રખ્યાત મતિયાદેવ મંદિર ખાતે થયેલી ચોરીનો ભેદ આખરે પોલીસે ઉકેલી લીધો છે. રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરનાર ટોળકી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે અંજાર
ચડ્ડી બન્યાન ગેંગના પકડાયેલ સભ્યો


કચ્છ, 03 ઓક્ટોબર (હિ.સ.) : અંજાર તાલુકાના ખંભરા ગામમાં આસ્થાના કેન્દ્ર સમા પ્રખ્યાત મતિયાદેવ મંદિર ખાતે થયેલી ચોરીનો ભેદ આખરે પોલીસે ઉકેલી લીધો છે. રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરનાર ટોળકી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે અંજાર પોલીસે કાર્યવાહી કરી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની સમયસરની કામગીરીના કારણે આ ટોળકી વધુ કોઈ ચોરીને અંજામ આપે તે પહેલાં જ તેના સભ્યો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી મિથુન મોહનીયા અગાઉ ખંભરા ગામમાં જી.ઈ.બી.ની અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવાના કામે મજૂરી કરવા આવ્યો હતો. તે દરમિયાન મંદિરની પાછળ રોકાણ કરતાં તેની નજર મંદિરની દાનપેટી પર પડી હતી. ત્યારબાદ રાજકોટ પરત ગયા બાદ તેણે પોતાના સાગરીતો સાથે મળી મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. બોલેરો પીકઅપ વાહનમાં સાગરીતો સાથે રાત્રિના સમયે ખંભરા પહોંચી આરોપીઓએ મંદિરની દાનપેટી તોડી ચોરી કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

અંજાર પોલીસે મિથુન વરસિંગ મોહનીયા, અંશુ બચુ કટારા, દિનેશ શબુરભાઈ ડામોર અને નબળાભાઈ મોહનીયાને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન સિનુગ્રા ગામની વાડી વિસ્તારમાંથી મોબાઈલ ચોરીના બનાવ અંગે પણ માહિતી મળી છે. ચોરીમાં અન્ય ત્રણ શખ્સો જબલો ડામોર, સુમલો કટારા અને સાગર મોહનીયાની સંડોવણી સામે આવતા તેમને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4,960 રોકડા તેમજ અંદાજે રૂ.20,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.24,960નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કામગીરી પૂર્વ કચ્છ-ગાંધીધામના એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એચ.એ.જાડેજા, પીએસઆઈ આર.પી.જાડેજા, એસ.જી.વાળા સહિત પોલીસ સ્ટાફે હાથ ધરી હતી. ખંભરા મંદિર ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસને મહત્વની સફળતા મળી છે, જોકે વિસ્તારમાં તાજેતરમાં બનેલા અન્ય ચોરીના બનાવોને ધ્યાનમાં રાખી તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande