
ભાવનગર,03 ઓક્ટોબર (હિ.સ.)કટોકટીની ઘડીએ સમયસૂચકતા અને હિંમતપૂર્વક નિર્ણય લઈને અનેક લોકોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતના બહાદુરીભર્યા કાર્યની પૂજ્ય મોરારિબાપુએ હૃદયપૂર્વક પ્રશંસા કરી છે. કેપ્ટન સ્મિતની હિંમત અને કર્તવ્યનિષ્ઠાને કારણે સમગ્ર દેશનું મસ્તક ગૌરવથી ઊંચું થયું હોવાનું મોરારિબાપુએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, કટોકટીના સમયે કેપ્ટન સ્મિતે અસાધારણ સમયસૂચકતા દર્શાવી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના તેમણે ૧૮૦ નિર્દોષ લોકોના જીવનની રક્ષા માટે પોતાની જાતને જોખમમાં મૂકી હતી. આ દરમિયાન તેઓ સતત હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહ્યા હતા અને હિંમત તથા આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
કેપ્ટન સ્મિતના આ સાહસિક કાર્યને બિરદાવતા મોરારિબાપુએ જણાવ્યું હતું કે, માનવજીવનની રક્ષા માટે કપરા સમયમાં પોતાની ફરજને પ્રાથમિકતા આપવી એ સાચી બહાદુરીનું ઉદાહરણ છે. કેપ્ટન સ્મિતે પોતાના કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને હિંમતથી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરારિબાપુએ કેપ્ટન સ્મિતના પિતા તથા પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કેપ્ટન સ્મિતના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના પણ કરી હતી. પરિવારજનો સાથે વાતચીત દરમિયાન મોરારિબાપુએ કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવી તેમના પરિવારને પણ હિંમત અને શુભકામનાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA