


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય એકતા
દિવસની ઉજવણી અંતર્ગત કમિશનર ટી.સી. તીરથાણીના અધ્યક્ષ સ્થાને સભાખંડ ખાતે બેઠક
યોજાઈ હતી. અખંડ ભારતના શિલ્પી અને દેશની એકતા તથા અખંડિતતાના પ્રતીક સરદાર
વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય એકતા
દિવસ-2026ની
ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી તા. 31 ઓક્ટોબર, 2026 રોજ શહેરના તમામ 13 વોર્ડમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને અખંડિતતાના આદર્શોને જનજન સુધી પહોંચાડવા તેમજ નાગરિકોમાં
રાષ્ટ્રહિતની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમોનું આયોજન
કરવામાં આવ્યું છે. મેયર સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના
માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નાગરિકો એકતા શપથ લઈને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે
સમર્પિત રહેવાનો સંકલ્પ કરશે. શહેરના તમામ વોર્ડમાં નાગરિકોની સહભાગિતા સાથે
દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા. 31 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડમાં કાર્યક્રમ યોજવામાં આવશે.
આયોજનના ભાગરૂપે યોજાયેલ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ
ઓડેદરા, નાયબ
મ્યુનિસિપલ કમિશનર કિશન ગરસર, મનન ચતુર્વેદી સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત
પદાધિકારીઓ અને અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે જરૂરી
આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે દેશનાં
રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની
151 મી
જન્મજયંતી નિમિત્તે યોજાનારી આ ઉજવણી દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રપ્રેમ અને સામૂહિક જવાબદારી
પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃસંકલ્પિત કરવાની તક બની રહેશે. પોરબંદર મહાનગરપાલિકા
દ્વારા શહેરના તમામ ૧૩ વોર્ડમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સાથે રાષ્ટ્રીય એકતા
દિવસની ઉજવણીને યાદગાર બનાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરદાર પટેલના આદર્શોને
જીવનમાં ઉતારીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ દરેક નાગરિક સુધી
પહોંચે તે આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya