રાજકોટમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાઈ 'રન ફોર યુનિટી'
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ હેડ ક્વાર્ટરથી રેસકોર્સ રિંગરોડ થઈને પરત ફરતી ''રન ફોર યુનિટી'' દોડનું આયોજન કરાયું હતું.
રાજકોટમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો


રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ હેડ ક્વાર્ટરથી રેસકોર્સ રિંગરોડ થઈને પરત ફરતી 'રન ફોર યુનિટી' દોડનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને અધિકારીઓ જોડાયા હતા.

પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે આઝાદી બાદ વિવિધ રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં અતુલ્ય યોગદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવી લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ એકતા દોડ દેશને 'એક, નેક અને શ્રેષ્ઠ' બનાવવાના સંકલ્પનું પ્રતીક છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ઉપસ્થિત તમામ નાગરિકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ બાદ મંત્રી અને અન્ય મહાનુભાવોએ સંયુક્તપણે લીલી ઝંડી બતાવીને ઉત્સાહભેર એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ આયોજનથી સમગ્ર શહેરમાં દેશભક્તિ અને એકતાનો માહોલ છવાયો હતો.

આ કાર્યક્રમમાં મેયર ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્યો ડૉ. દર્શિતા શાહ, ઉદય કાનગડ, ભાનુબહેન બાબરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષરૂપે જોડાયા હતા.

આ ભવ્ય આયોજનમાં સરકારી કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, ડી.એલ.એસ.એસ.ના વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં આમ નાગરિકો સહભાગી બન્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં લોહપુરુષના આદર્શો અને અખંડ ભારતના વિચારો કાયમ જીવંત રાખવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande