
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક બર્ડવ્યૂ ટાવર સામે કારનો સતત પીછો કરી ટક્કર મારી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જૂના મનદુઃખમાં આરોપીએ પોતાની કાર વડે ફરિયાદીની કારને ટક્કર મારી હતી, જેમાં ફરિયાદીને ઇજા થવા ઉપરાંત કારને આશરે રૂ. 40 હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસ ફરિયાદ મુજબ, પોરબંદરના મોતીનગર વિસ્તારમાં રહેતા વિશાલકુમાર મૂળશંકર જોશી (35)એ કાંટેલા ગામના આરોપી પરબત રામ મોઢવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ અગાઉ પવનચક્કીના પોલ કાપી નાખવા અને ખંડણી માગવા અંગે મિયાણી તથા બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવી હતી. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીએ અગાઉ સાહેદ મારફતે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીના સંદેશા મોકલાવ્યા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપીએ પોતાની સફેદ રંગની કારથી ફરિયાદીની કારનો સતત પીછો કર્યો હતો. કુછડી ગામ નજીક બર્ડ વ્યૂટાવર સામે હાઇવે પર આરોપીએ પૂરઝડપે અને બેદરકારી પૂર્વક કાર હંકારી ફરિયાદીની કારની ડ્રાઇવર સાઇડમાં ટક્કર મારી હતી. ફરિયાદીએ કાર પર કાબૂ મેળવી લેતાં મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ તેમના જમણા હાથની કોણી અને ખભાના ભાગે મૂઢ ઇજા થઈ હતી. ટક્કરના કારણે કારને આશરે રૂ. 40 હજારનું નુકસાન થયું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya