
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરમાં દીકરીને ઇઝરાયેલમાં નોકરી અપાવવાની લાલચ આપી પરિવાર પાસેથી રૂ. 8 લાખ પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. નોકરી માટે વિદેશ મોકલવાનો વિશ્વાસ અપાવી નાણાં મેળવ્યા બાદ દીકરીને ઇઝરાયેલ નહીં મોકલતાં ત્રણ વ્યક્તિઓ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, પોરબંદરના ઉદ્યોગનગર રોડ પર ઘાસ ગોડાઉન પાછળ રહેતા માલદે દુદાભાઈ પાંડાવદરા (ઉં.વ. 51) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી વર્ષાબેન મનોજભાઈ કંડોલિયા રહે. ઘાસગોડાઉન પાછળએ તેમની દીકરીનીતા બેનને ઇઝરાયેલ મોકલવાની અને ત્યાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસના આધારે ફરિયાદી પાસેથી આરોપી ઠાકોર મહંમદ સોહેલ હારૂનમિયા આણંદના નામે આંગડિયા મારફતે રૂ. 3.50 લાખ મોકલાવવામાં આવ્યા હતા. જ્યારે આરોપી જીવનભાઈ મગનભાઈ પટેલ સુરતના ઓનલાઇન બેંક ખાતામાં રૂ. 4.50 લાખ જમા કરાવવામાં આવ્યા હતા.આમ, કુલ રૂ. 8 લાખની રકમ લેવામાંઆવી હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, નાણાં મેળવ્યા બાદ દીકરીને ઇઝરાયેલમાં નોકરી માટે મોકલવામાં આવી નહોતી. આ રીતે ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદથી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya