રાજકોટમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ : 7 ઝડપાયા, 15 વોન્ટેડ
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ઢેબર રોડ પર આવેલા અટીકા અને ન્યુ નેહરુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની ટીમે ગેરકાયદે ગેસ રિફિલિંગ અને કાળાબજારી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ પાંચથી વધુ સ્થળો પર પડેલા દરોડામાં કોમર્શિયલ અને ડ
રાજકોટમાં ઝડપાયેલ ગેરકાયદે ગેસ રિફીલિંગ કૌભાંડ


રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ઢેબર રોડ પર આવેલા અટીકા અને ન્યુ નેહરુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની ટીમે ગેરકાયદે ગેસ રિફિલિંગ અને કાળાબજારી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ પાંચથી વધુ સ્થળો પર પડેલા દરોડામાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશના કુલ ૫૫૩ ગેસના બાટલા જપ્ત કરવામાં આવ્યા છે.

જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદે હેરાફેરી કરી લોકોના જીવનને જોખમમાં મૂકવાના આ કેસમાં કુલ ૨૨ શખ્સો સામે બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાંથી ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગેસ એજન્સીના ડિલિવરીમેન સહિત ૧૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

રાજકોટ શહેરના અટીકા ૮૦ ફૂટ રોડ પર આવેલા આહિર ચોક અને નેહરુનગર વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું નેટવર્ક સક્રિય હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. આ બાતમીના આધારે એસએમસીની ટીમે અટીકા સાઉથ અને ન્યુ નેહરુનગરના વિવિધ મકાનો તથા ગોડાઉનો પર એકસાથે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ઇન્ડેન, ભારત, એચપી, રિલાયન્સ અને સુપર સહિતની વિવિધ ગેસ એજન્સીઓના બાટલાઓ ગેરકાયદેસર રીતે સંગ્રહિત મળી આવ્યા હતા, જ્યાંથી અન્ય સિિલંડરોમાં ગેસ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.

પ્રથમ દરોડાની વિગતો મુજબ, આહિર ચોક પાસે નેહરુનગરના મકાન અને ગોડાઉનમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ પકડાઈ હતી. આ કેસમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદના આધારે અમિત ધીરુભાઈ ડાંગર અને આશિષ રમેશભાઈ ગોગરાની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ધીરુ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, ઉમેશ પ્રભાતભાઈ બોરિયા તેમજ દ્વારકેશ, ફ્રીડમ, આકૃતિ અને જૈમિન ગેસ એજન્સીના ડિલિવરીમેન તરીકે સંડોવાયેલા શખ્સો સહિત કુલ ૭ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

બીજા દરોડામાં એસએમસીના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે ન્યુ નેહરુનગર શેરી નંબર-૪ અને આરતી મેઈન રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા, રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરી એમ પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પણ જયમીન, મધુરમ, જય ભીમ અને એજીએસ પ્યોર ગેસ એજન્સીના કર્મચારીઓ તથા રિક્ષાચાલકો સહિત અન્ય ૮ શખ્સોને વોન્ટેડ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ દ્વારા નિર્ધારિત બજાર કિંમત કરતાં ઊંચા ભાવે ગેરકાયદેસર રીતે ગેસનું વેચાણ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું છે. આરોપીઓ દ્વારા સબસિડીવાળા ઘર વપરાશના (ડોમેસ્ટિક) સિિલંડરોનો કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ અને વેચાણ કરાતું હતું. વહીવટી નિયમો અને સુરક્ષા ધોરણોને નેવે મૂકીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ચલાવાતા આ ગોડાઉનોમાં કોઈપણ પ્રકારની અગ્નિશામક સુરક્ષા વગર જ્વલનશીલ ગેસ ટ્રાન્સફર થતો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની જિંદગી સતત જોખમમાં મુકાઈ હતી.

પોલીસે આ બંને દરોડાઓની કાર્યવાહીમાં વિવિધ કંપનીના ભરેલા અને ખાલી મળીને કુલ ૫૫૩ ગેસના બાટલા, ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા, સીલ, વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૪,૬૩,૪૪૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તહેવારોની મોસમ પૂર્વે થયેલી આ ત્વરિત કાર્યવાહીથી ગેસ કાળાબજારી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આવશ્યક ચીજવસ્તુ ધારા અને ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધીને સમગ્ર નેટવર્કની કડીઓ જોડવા માટે કાયદેસરની કાર્યવાહી તીવ્ર બનાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની આગળની તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. એચ. ગોહિલ અને તેમની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. બંને ગુનાઓમાં વોન્ટેડ જાહેર કરાયેલા તમામ ૧૫ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ચકાસણી હાથ ધરવામાં આવી છે.

આ ગેરકાયદેસર રેકેટમાં સંડોવાયેલી વિવિધ ગેસ એજન્સીઓની ભૂમિકા અને સંચાલકોની સંલગ્નતા વિશે પણ ઊંડાણપૂર્વક તપાસ કરીને કાયદેસરના સખત પગલાં લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande