
સારબ્રુકેન, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ, હાયલો ઓપન 2026ની મહિલા સિંગલ્સ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. ગુરુવારે રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બીજી ક્રમાંકિત સિંધુએ ફ્રાન્સની રોસી ઓક્ટાવિયા પંકાસારીને સીધા ગેમ્સમાં 21-9, 21-6થી હરાવી. આ મુકાબલો 30 મિનિટથી પણ ઓછા સમયમાં સમાપ્ત થઈ ગયો.
ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો, ડેનમાર્કની અમાલી શુલ્ઝ સામે થશે. બે વખતની ઓલિમ્પિક પદક વિજેતા સિંધુ આ સુપર 500 સ્પર્ધામાં ફ્રેન્ચ ઓપન સુપર 750માં ઉપવિજેતા રહ્યા બાદ ઉતરી છે. ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં તેમને વિશ્વની નંબર એક ખેલાડી દક્ષિણ કોરિયાની આન સે યંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન યુવા ભારતીય ખેલાડી અનમોલ ખરબે પણ શાનદાર વાપસી કરતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. 19 વર્ષીય અનમોલે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઉચ્ચ ક્રમાંકિત ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફરસનને એક કલાક ત્રણ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 11-21, 21-18, 25-23થી હરાવી.
પહેલો ગેમ ગુમાવ્યા બાદ, અનમોલે બીજા ગેમમાં વાપસી કરી અને મુકાબલાને નિર્ણાયક ગેમ સુધી પહોંચાડ્યો. ત્રીજા ગેમમાં તેમણે ધૈર્ય જાળવી રાખતા 25-23થી જીત નોંધાવી. સેમિફાઇનલમાં સ્થાન બનાવવા માટે હવે તેમનો સામનો ભારતની જ ઉન્નતિ હુડ્ડા સામે થશે.
જોકે માલવિકા બંસોડને, મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. તેમને કેનેડાની વેન યુ ઝાંગે, 21-11, 21-17થી હરાવીને સ્પર્ધામાંથી બહાર કરી દીધા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ