
અમરાવતી, 31 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ ચિત્તરંજન દાસના નેતૃત્વમાં સાત સભ્યોની કેન્દ્રીય ટીમ, ચક્રવાત અર્નબથી થયેલા નુકસાનનું આકલન કરવા આંધ્ર પ્રદેશ પહોંચી છે. મુખ્ય સચિવ સાઈ પ્રસાદ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ટીમનું સ્વાગત કર્યું.
રિયલ ટાઈમ ગવર્નન્સ સોસાયટી (આરટીજીએસ) માં રાજ્યના અધિકારીઓએ, કેન્દ્રીય ટીમને નુકસાનની હદ અને ચક્રવાતની સ્થિતિનો સામનો કરવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં વિશે માહિતી આપી.
પ્રારંભિક આકલન મુજબ, ચક્રવાત અર્નબે 12 જિલ્લાઓમાં અંદાજિત 4,764 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. કોણસીમા અને પશ્ચિમ ગોદાવરી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે.
કૃષિ, મકાનો અને માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનનું આકલન કરવા, તથા પ્રભાવિત લોકો સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય ટીમ રવિવારે પણ કોણસીમા, કાકીનાડા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓના ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની છે.
આ દરમિયાન, પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને પુનર્વસનનું કામ ચાલુ છે. રાજ્ય સરકારે ચક્રવાત સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 5 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રારંભિક આકલન દર્શાવે છે કે, ડાંગર અને નાળિયેર તથા પામ તેલના બગીચાઓ સહિત, બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. વીજ પુરવઠો, પીવાનું પાણી અને માર્ગ સંપર્કને પ્રાથમિકતાના ધોરણે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ