
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. ખેતીના પૂરક વ્યવસાય તરીકે શરૂ થયેલું પશુપાલન આજે ગ્રામ્ય વિસ્તારના અનેક પરિવારો માટે આવકનું મહત્ત્વનું સાધન બન્યું છે. ગાય, ભેંસ અને બકરી સહિતનાં પશુઓના પાલન દ્વારા લોકો આર્થિક રીતે પગભર બની રહ્યા છે. યુવાનો અને મહિલાઓ પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યાં છે. જોકે, પશુપાલન વ્યવસાયમાં વધુ આવક મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુઓની માવજત કરવી જરૂરી છે.
પશુચિકિત્સા અધિકારી ડૉ. રાહુલના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિક પશુપાલનના મુખ્ય પાંચ આધારસ્તંભ છે. જેમાં સૌપ્રથમ સંતુલિત પોષણ વ્યવસ્થાપન મહત્ત્વનું છે. પશુની ઉંમર, વજન અને દૂધ ઉત્પાદનની ક્ષમતાને ધ્યાનમાં રાખીને યોગ્ય આહાર આપવો જોઈએ. તેનાથી પશુનું સ્વાસ્થ્ય જળવાઈ રહેવાની સાથે દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે.
બીજો આધારસ્તંભ સ્વચ્છ અને પૂરતા પાણીની વ્યવસ્થા છે. દૂધ ઉત્પાદન માટે પાણી અત્યંત મહત્ત્વનું હોવાથી પશુને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળી રહે તેની કાળજી રાખવી જોઈએ.
ત્રીજા આધારસ્તંભમાં સમયસર રસીકરણ, કૃમિનાશક દવા અને નિયમિત આરોગ્ય તપાસનો સમાવેશ થાય છે. તેનાથી પશુઓને વિવિધ રોગોથી બચાવી શકાય છે.
ચોથો આધારસ્તંભ પશુઓના રહેઠાણની યોગ્ય વ્યવસ્થા છે. પશુઓને સ્વચ્છ, સૂકી અને હવાદાર જગ્યાએ રાખવાથી તેમનું આરોગ્ય જળવાય છે અને ઉત્પાદન ક્ષમતા પર સકારાત્મક અસર થાય છે.
પાંચમો આધારસ્તંભ નોંધપોથી વ્યવસ્થાપન છે. પશુનું રસીકરણ, કૃમિનાશક સારવાર, વિયાણ અને દૈનિક દૂધ ઉત્પાદનની નિયમિત નોંધ રાખવી જોઈએ.
આમ, વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવામાં આવે તો પશુઓનું આરોગ્ય જાળવી વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે અને પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA