ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સ ઝડપાયો, ભાવનગર એલસીબીએ વાહન ચોરીનો ગુનો ઉકેલ્યો
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર શહેરમાં મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડી વાહન ચોર
ચોરી ની મોટર સાયકલ સાથે એક ઝડપાયો


ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર શહેરમાં મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો ઉકેલ્યો છે.

એલસીબી પોલીસની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ અને શંકાસ્પદ શખ્સોની તપાસમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે સામવેદ કોમ્પ્લેક્સ પાછળ પાનવાડી જવાના રસ્તા પર એક શખ્સ હોન્ડા શાઇન મોટરસાઇકલ સાથે ઉભો છે. આ મોટરસાઇકલ ચોરી કે છળકપટથી મેળવેલી હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર તપાસ કરતાં બ્લુ કલરનું ટી-શર્ટ અને રાખોડી કલરનું પેન્ટ પહેરેલો શખ્સ મળી આવ્યો હતો.

પોલીસે તેની પાસે રહેલી હોન્ડા શાઇન મોટરસાઇકલના જરૂરી દસ્તાવેજો અને માલિકી અંગેના પુરાવા માંગતાં તે રજૂ કરી શક્યો નહોતો. જેથી પોલીસે શંકાસ્પદ મોટરસાઇકલ કબજે કરી શખ્સની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન તેણે આ મોટરસાઇકલ ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં ચિંતામણી મેડિકલ સ્ટોર પાસે આવેલા જાહેર શૌચાલય નજીકથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ રાજેન્દ્રભાઇ ઉર્ફે બાપુડી માધાભાઇ દામાણી (23), રહે. વડવા તલાવડી, ભાલવાળો ખાંચો, ભાવનગર, મૂળ ગામ સનેસ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી રૂ. 15 હજારની કિંમતની કાળા રંગની હોન્ડા શાઇન મોટરસાઇકલ રજીસ્ટ્રેશન નંબર GJ-04-CG-5260 કબજે કરી છે.

આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર સહિત એલસીબીના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande