
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા અને ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ ડામવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૪૬ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમે કાલાવડ રોડ, કોઠારીયા રોડ, નાણાવટી મેઇન રોડ, લાખના બંગલાવાળો રોડ અને પરાબજાર સહિતના વિસ્તારોમાં ધમધમાટ કર્યો હતો. આ ચેકિંગમાં બજારમાંથી અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ થયેલો કુલ ૨૨ કિલોગ્રામ જેટલો જોખમી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ ડ્રાઇવ અંતર્ગત ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ ૫ પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક શરતોના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, વિભાગ દ્વારા સ્થળ પર જ દંડકીય કાર્યવાહી કરીને કુલ રૂપિયા ૩,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના કુલ ૧૨ સેમ્પલ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલાયા છે.
આ કાર્યવાહીમાં હરિયોગી લાઈવ પફમાંથી લેબલ વગરના ઠંડા પીણાંનો નાશ કરી દંડ વસૂલાયો હતો, જ્યારે માઁ વૈષ્ણવી કેળા વેફરમાંથી ૧૦ કિલો દાઝેલું તેલ જપ્ત કરાયું હતું. તદુપરાંત, શ્રી બાલાજી ફરસાણ માર્ટ, જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી સહિતની અનેક નામાંકિત પેઢીઓમાં પણ ખામીઓ જણાતા નોટિસો આપવામાં આવી છે. તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે તંત્ર દ્વારા આ ડ્રાઇવ યથાવત રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt