રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકોનું મહાસંમેલન: પડતર પ્રશ્નો ન ઉકેલાય તો ૯ ડિસેમ્બરે રાજ્યવ્યાપી શાળા બંધનું એલાન
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના હેતુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓના સંચાલકોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં શિક્ષણ સુધારણા વિધેયક-૨૦૨૬, એફઆરસીમાં એકરૂપતા, આરટીઈની વ્યાજબી ભરપાઈ અને વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવા
ખાનગી શાળા સંચાલકોનું મહાસંમેલન


રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટના હેતુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓના સંચાલકોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં શિક્ષણ સુધારણા વિધેયક-૨૦૨૬, એફઆરસીમાં એકરૂપતા, આરટીઈની વ્યાજબી ભરપાઈ અને વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવા જેવી માંગણીઓ સાથે જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી ૯ અને ૧૦ ડિસેમ્બરે બે દિવસ રાજ્યવ્યાપી ખાનગી શાળાઓ બંધ રાખવાની ચીજો ઉચ્ચારવામાં આવી હતી.

સંમેલનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રાજ્યની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ શૈક્ષણિક વિકાસમાં યોગદાન આપે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સુધારા વિધેયક-૨૦૨૬ની જોગવાઈઓની સમીક્ષા કરવા, શાળાઓની સ્વાયત્તતા જાળવવા અને નીતિગત નિર્ણયો લેતા પહેલા મહામંડળ સાથે ચર્ચા કરવા સરકાર સમક્ષ માંગ કરાઈ હતી. ચારેય એફઆરસી ઝોનની સમિતિઓની નિર્ણય પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓ દૂર કરી સમાન અને પારદર્શક માપદંડો અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની ફી ભરપાઈ અંગે સંચાલકોએ જણાવ્યું હતું કે શાળાઓને માત્ર ટોકન રકમ આપવાને બદલે વાસ્તવિક ખર્ચને અનુરૂપ ન્યાયસંગત ભરપાઈ મળવી જોઈએ. વહીવટી પ્રક્રિયાઓ અંગે વાત કરતા ઉમેર્યું કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં મંજૂરી, માન્યતા અને વર્ગવધારા જેવી બાબતોમાં થતો વિલંબ તેમજ બિનજરૂરી દસ્તાવેજી કામગીરી દૂર થવી જોઈએ જેથી સમગ્ર રાજ્યમાં પરિપત્રોનો એકરૂપ અમલ થઈ શકે.

સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ આગામી રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પ્રથમ પ્રાથમિકતા સંવાદ દ્વારા પ્રશ્નો ઉકેલવાની છે. દિવાળી બાદ ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆત કરવામાં આવશે છતાં નક્કર ઉકેલ નહીં આવે તો જાહેર કાર્યક્રમ મુજબ તા. ૯ અને ૧૦ ડિસેમ્બરના રોજ શાળાઓ બંધ રાખી વિરોધ નોંધાશે. આ મહાસંમેલન રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અગ્રણીઓની આગેવાનીમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande