
જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક વચ્ચે ખરીદી માટે તમિલનાડુના ૨૫ થી ૩૦ વેપારીઓએ ધામા નાખ્યા છે. ગુરુવારે યાર્ડમાં ૭૬૧ ખેડૂતોમાંથી ૨૨૪ ખેડૂતો દ્વારા ૧૫,૧૮૩ મણ મગફળીની આવક નોંધાઈ હતી, જેમાંથી ૯,૩૭૪ ગુણીનું વેચાણ થયું હતું. આ દરમિયાન મગફળી ૯ નંબરનો ભાવ રેકોર્ડબ્રેક ₹૨૭૬૫ સુધી પહોંચ્યો હતો, જે ચાલુ સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ માનવામાં આવે છે.
યાર્ડમાં ગુરુવારે મગફળી સહિત કુલ ૧૭ જુદી જુદી જણસોની આવક થઈ હતી, જેમાં સૌથી વધુ આવક મગફળીની રહી હતી. વિવિધ જાતોના ભાવ પર નજર કરીએ તો મગફળી જીણી ₹૧૩૦૦ થી ₹૧૭૩૦, મગફળી જાડી ₹૧૨૦૦ થી ₹૧૬૪૦, મગફળી ૬૬ નંબર ₹૧૫૦૦ થી ₹૨૩૦૦ અને મગફળી ૯ નંબરના ભાવ ₹૧૭૦૦ થી ₹૨૭૬૦ સુધી હરાજીમાં બોલાયા હતા. ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય અને ઊંચા ભાવ મળતા આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
તમિલનાડુના વેપારીઓ ખાસ કરીને ગુણવત્તાયુક્ત મગફળીની ખરીદી કરવા માટે જામનગર માર્કેટિંગ યાર્ડમાં રોકાયા છે. હાલાર વિસ્તારની મગફળીની ગુણવત્તા ઉત્કૃષ્ટ હોવાના કારણે તમિલનાડુમાં તેની ભારે માંગ રહે છે. આ ગુણવત્તાના કારણે જ વેપારીઓ અહીં ઊંચા ભાવ આપીને પણ ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેનાથી સ્થાનિક વેપાર અને યાર્ડની રોનકમાં મોટો ઉછાળો આવ્યો છે.
મગફળી ઉપરાંત જામનગર યાર્ડમાં લસણ, કપાસ, જીરૂ, ડુંગળી અને સોયાબીન જેવી અન્ય કૃષિ જણસોની પણ નોંધપાત્ર આવક નોંધાઈ હતી. ચાલુ વર્ષે યાર્ડમાં શરૂઆતથી જ ઘીંગી આવક થઈ રહી છે, જેનાથી સમગ્ર યાર્ડ પરિસરમાં ચહલપહલ વધી છે. તમિલનાડુના ખરીદદારોની સક્રિયતાને પગલે આગામી દિવસોમાં પણ મગફળીના ભાવ અને આવક જળવાઈ રહે તેવી શક્યતા વેપારી વર્ગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt