
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર શહેરમાં ખનિજ ચોરી જેવા ગેરકાયદેસર કામ કરતા તત્વોને સરકારી અધિકારીઓની હિલચાલની માહિતી પહોંચાડવાનું કામ કરતા બે શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ વોટ્સએપ ગ્રુપ મારફતે અધિકારીઓની અવરજવર પર નજર રાખી ઓડિયો મેસેજ દ્વારા માહિતી પહોંચાડતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરની જૂની કલેક્ટર કચેરીના દરવાજા પાસે બે શખ્સો શંકાસ્પદ રીતે બેઠા હતા. તેઓ પ્રાંત અધિકારી, ભાવનગર ગ્રામ્ય સહિત અન્ય સરકારી અધિકારીઓની અવરજવર પર નજર રાખતા હોવાની શંકા પ્રાંત અધિકારી એમ.ડી. પરમારને જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી એલસીબીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે પૂછપરછ કરતાં બંને શખ્સો વોટ્સએપમાં 'જય રામાધણી' નામનું ગ્રુપ ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ગ્રુપમાં ખનિજ ખોદકામ અને હેરફેર સાથે સંકળાયેલા લોકોને જોડવામાં આવ્યા હતા. સરકારી અધિકારીઓ તથા એસ.ડી.એમ.ની ગાડીઓની અવરજવર પર નજર રાખીને ઓડિયો મેસેજ મારફતે ગ્રુપમાં માહિતી પહોંચાડવામાં આવતી હતી. આ કામગીરીના બદલામાં ગ્રુપમાં જોડાયેલા દરેક સભ્ય પાસેથી દર મહિને 1,000 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની કબૂલાત પણ આરોપીઓએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ભગીરથસિંહ નરેન્દ્રસિંહ વાળા (રહે. શ્રમજીવી સોસાયટી, ભાવનગર) અને રોહિત અભુભાઈ રાઠોડ (રહે. રૂવા ગામ, ભાવનગર)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી હોન્ડા મોટરસાઇકલ અને વિવો કંપનીનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પ્રાંત અધિકારીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓને વધુ તપાસ માટે સોંપ્યા છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર સહિત એલસીબીની ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA